રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારે હળવી ઝાકળ જોવા મળી હતી. અમરેલી, દ્વારકા, ઓખા, વેરાવળ, દીવ, જામનગર, નલિયા અને દમણમાં પણ સવારે ઝાકળ જોવા મળી હતી.
દરમિયાનમાં આજે સવારે અરબી સમુદ્રના નોર્થ ઈસ્ટ ભાગમાં સૌરાષ્ટ્રને સંલગ્ન એક સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેનો વિસ્તાર દરિયાની સપાટી ઉપર દોઢ કિલોમીટર સુધીનો જોવા મળે છે. આ સિસ્ટમના કારણે છૂટાછવાયા સામાન્ય ઝાપટાની શક્યતા છે. અરબી સમુદ્રની આ સિસ્ટમની અસર મહારાષ્ટ્ર કોકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારને પણ માવઠાના સ્વરૂપમાં થવાની શક્યતા નિહાળવામાં આવે છે.
બીજી બાજુ સમગ્ર હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે જોવા મળ્યું છે અને તેના કારણે જમ્મુ કશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સહિતના પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે પંજાબ અને હરિયાણામાં પણ આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની શક્યતા ઊભી થઈ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે વરસાદ અને હિમવર્ષા જમ્મુ કશ્મીર સહિતના રાજ્યોમાં થઈ રહી છે. તો બીજી બાજુ આ સિસ્ટમની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. નોર્થ વેસ્ટ અને સેન્ટ્રલના રાજ્યોમાં 48 કલાક પછી લઘુતમ તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી જેટલો બે થી ત્રણ દિવસમાં નીચો ઉતરશે. પૂર્વના રાજ્યોમાં તો તેની અસર શરૂ થઈ ગઈ છે અને આજથી લઘુતમ તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે. બે દિવસમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન ઈસ્ટ ઈન્ડિયાના રાજ્યોમાં જોવા મળશે. પૂર્વના રાજ્યોમાં આજે ધુમ્મસ નું વાતાવરણ થવાયું હતું.