BREAKING NEWS

વડાપ્રધાન મોદીની સુરક્ષા કવચનું ખુદ DGP ડો.રાવે કર્યું નિરીક્ષણ

  • January 10, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વાયબ્રન્ટ કોન્ફરન્સમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ આવતીકાલે રાજકોટ ખાતે હાજરી આપનાર હોય જેને પગલે રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં નજરે પડે છે ત્યારે વડાપ્રધાનના આગમનને પગલે આખેઆખો બંદોબસ્ત પ્લાન ઘડી સુરક્ષા વ્યવસ્થાની કમાન એસપીજી કમાન્ડોએ સંભાળી લીધી છે. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા ડીજીપી ડૉ. કે. લક્ષ્મીનારાયણ. રાવએ ખુદ રાજકોટ દોડી આવી સમગ્ર સુરક્ષા વ્યવસ્થા તેમજ બંદોબસ્ત અંગે બારીકાઈથી અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં આગામી તારીખ 11 થી 15 રિયોજીન્લ વાઇબ્રન્ટ કોન્ફરન્સ રાજકોટની ભાગોળે આવેલ મારવાડી યુનિવર્સીટી કેમ્પસ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ હાજર રહેનાર છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી, રાજ્ય સરકારના મંત્રીઓ, દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ સહીતની મોટી સંખ્યામાં હાજરી રહેનાર છે.

ત્યારે વીવીઆઈપી મુવમેન્ટને પગલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોક કુમાર યાદવ jcb મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને કચ્છ બોર્ડર એકમનાં રેન્જ આઇજી સહિતના જુદા જુદા જિલ્લાઓમાંથી બંદોબસ્તમાં આવેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાની સ્કીમ ઘડી કાઢવામાં આવી છે.

બે રેન્જ આઇજીની અધ્યક્ષતામાં કુલ 4500 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેનાર છે. બીજી બાજુ એસપીજી કમાન્ડોએ સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી લીધી છે, આજે બપોરથી વડાપ્રધાનનું હેલિકોપ્ટર જયા લેન્ડ થશે તે બેડી યાર્ડ ખાતે બનાવવામાં આવેલ હેલિપેડ, રૂટ, મારવાડી યુનિવર્સીટી સહિતના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના આગમનને પગલે રાજ્ય પોલીસ વડા ડૉ.કે.એલ.એન. રાવ બપોરે ત્રણ વાગ્યાં આસપાસ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા અને વડાપ્રધાન સહિતના નેતાઓના આગમનને પગલે ઘડાયેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી બંદોબસ્ત સ્કીમની પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પાસેથી સમગ્ર બંદોબસ્ત અંગેની વિગતો મેળવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.


વડાપ્રધાનને બે રેન્જ IG, 11 DCP સહીત 4500 જવાનોનું સુરક્ષા કવચ

આ બંદોબસ્તમાં 30 એસીપી, 90 પીઆઈ, 235 પીએસઆઈ, 2560 પોલીસમેન-હોમગાર્ડ તૈનાત રહેશે :એસઆરપીની ત્રણ કંપનીના 210 જવાનો પણ ખડેપગ સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ સુરક્ષામાં ખડેપગે રહેશે.


એસઓજી દ્વારા ત્રણ દી' ડ્રોન સર્વેલન્સ હાથ ધર્યું

વડાપ્રધાનના આગમનને પગલે બેડી યાર્ડથી માંડી મારવાડી યુનિવર્સીટી કેમ્પસ સુધી પીઆઈ એસ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ડ્રોન સ્કવોડ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ડ્રોન મારફતે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જે સર્વેલન્સમાં કશું જ શંકાસ્પદ નહિ મળી આવ્યાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.


કાકરી ચાળો થવાની શક્યતાને પગલે પોલીસ અને આઈબી પણ એલર્ટ

રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલીશનનો નોટીસ વિવાદ અને સરધારનો મૂર્તિ વિવાદ ચાલતા હોય ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કાકરીચાળો કે છમકલા થવાની શક્યતાના પગલે અધિકારી જવાનો તેમજ આઇબી પણ સતત એલર્ટ જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application