રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રવિવારે રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવની અધ્યક્ષતામાં રિજનલ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજય પોલીસ વડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માદક પદાર્થની વધતી હેરફેર અંગે ચિંતા વ્યકત કરી આ અંગે પોલીસને વિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.
રિજનલ કોન્સફરન્સમાં અનેક મુદાઓ પર મંથન કરવામાં આવ્યું હતું.બાદમાં આ બાબતે માહિતી આપવા રાજય પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ડીજીપીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ઝડપાતા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થો અંગે ચિંતા વ્યકત કરી વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી. ખાસ નાર્કોટિક્સ, સાયબર અને ફેટલ અકસ્માત નિવારવા ખાસ ભાર મુકાયો હતો.
ગઈકાલે વહેલી સવારે ૧૦ વાગ્યાની આસપાસ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના પોલીસ વડાને પ્રથમ ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ડિજીપીનું સ્વાગત કરાયું હતુંઉ હાજર સૌરાષ્ટ્રના ત્રણેય રેન્જના આઈજી અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના એસપી તેમજ શહેર પોલીસના તમામ ડીસીપીઓની હાજરીમાં પોલીસ ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ સાયબર અવરનેસ, નાર્કોટિક્સ અને ફેટલ અકસ્માત બાબતે વિશેષ ધ્યાન આપવા ચિંતન કરવામાં આવ્યું હતું. ક્રાઈમ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ રાજ્યના પોલીસ વડાએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજની રીજનલ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ શહેર, રાજકોટ રેન્જ જુનાગઢ રેન્જ અને ભાવનગર રેન્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2024 વર્ષ 2025 અને વર્ષ 2026 ની શરૂઆતના સમયમાં ક્રાઈમ બાબતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમનું મૂલ્યાંકન કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે ઝડપી થઈ શકે તેનું ચિંતન કરવામાં આવ્યું છે.
જેમાં ખાસ સાયબર ફ્રોડથી કઈ રીતે લોકો બચી શકે તેના માટે અવરનેશ તેમજ ખાસ દરિયાઈ માર્ગથી આવતા ડ્રગ્સ સહિતના નાર્કોટિક્સ પદાર્થો અંગે ખાસ સૂચનો તમામ અધિકારીઓને કરવામાં આવ્યાં હતાં. જ્યારે રોડ સેફટી મામલે અકસ્માતમાં ફેટલના બનતાં બનાવો અટકાવવા માટે પણ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
ખાસ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત ભરમાં ગત સપ્ટેમ્બર માસથી શરૂ થયેલ ડાયલ ૧૧૨ જનરક્ષકથી ગુના અટકવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પહેલા ક્રાઈમ સ્પોટ પર પોલીસને પહોંચતા ૧૪ મિનીટ થતી હતી તે હવે ફક્ત સાત મિનિટમાં પહોંચે છે. જેથી ૧૧૨ જનરક્ષકના અમલથી ૫૦ ટકા રેસિયો ઘટાડવામાં સફળતા મળી છે.
ધમકીભર્યા કોલમાં પોલીસ સોર્સ સુધી પહોંચી
હાલ રાજ્યભરમાં સ્કૂલ, કલેક્ટર ઓફિસ, કોર્ટ અને છેલ્લે પાસપોર્ટ તેમજ પોસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેલ તેમજ કોલ મળી રહ્યા છે, જે અંગે ડીજીપીએ જણાવ્યું હતું કે, જે ફેક ઇમેઇલ અને કોલ કરી આવી ધમકી મોકલી રહ્યા છે, તેના માટે રાજ્યની ખાસ એક ટીમ કામ કરી રહી છે, જે લોકો વિદેશથી વીપીએન મારફતે ઓનલાઈન મેઈલ મોકલી રહ્યા છે જે પણ જાણવા મળ્યું છે. પોલીસ તે લોકોના સોર્સ સુધી પહોંચી પણ ગઈ છે.
કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રના આઇપીએસ અધિકારીઓની હાજરી
રિજનલ ક્રાઈમ કોંફરન્સમાં ઈન્ચાર્જ ડીજીપી ડૉ.કે.એલ.એન.રાવની સાથે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડિયા, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર, જામનગર એસપી રવિ મોહન સૈની, અમરેલી એસપી સંજય ખરાત, જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા, સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ, ભાવનગર એસપી, નિતેશ પાંડે, પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા, ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજા, મોરબી એસપી મુકેશ પટેલ ગાંધીનગર ડીજી કચેરી ખાતે કાર્યરત આઈપીએસ વલય વૈદ્ય, સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સના એસપી વિવેક ભેડા, એસપીએસ કલ્પેશકુમાર ચાવડા એસપીએસ કોમલબેન વ્યાસ, ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજ, જસદણ એએસપી નવિન ચક્રવતી, એએસપી ભાવનગર ઘનશ્યામ ગૌતમ, એએસપી ધારી જયવીર ગઢવી સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
જંગલેશ્વરની મુલાકાત લઇ ડીજીપીએ રાજકોટ પોલીસની કામગીરી બીરદાવી
રાજકોટના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશન ઓપરેશન જંગલ શાંતિપૂર્ણ રીતે પાર પાડવા બદલ ડીજીપી ડો.કે.એલ.એન.રાવે રાજકોટ પોલીસને અભિનંદન આપ્યા હતાં. સંવેદનશીલ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી અંગેની માહિતી મેળવી ડીજીપીએ જંગલેશ્વરમાં જયાં ડિમોલિશન કરવામાં આવ્યું છે તેની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે જંગલેશ્વરને ક્રાઇમ મુકત બનાવવાનું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું.