અમદાવાદના જીવરાજબ્રિજ નીચે ગઇકાલે (2 મે) એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના બની છે. સામાન્ય પારિવારિક વિવાદે હિંસક વળાંક લેતા ચાર અસામાજિક તત્વોએ ભેગા મળીને નટુ પરમાર નામના આધેડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નટુભાઈને તાત્કાલિક સારવાર માટે સેટેલાઈટની પારેખ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, મૃતક નટુભાઈના પુત્ર કૌશિક પરમારે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે કૌશિક ચાની કિટલી પર બેઠો હતો ત્યારે તેને જાણ થઈ કે તેના પિતા પર જીવરાજબ્રિજ નીચે બાપાસીતારામ મોબાઇલ શોપ પાસે કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હુમલાખોરોમાં કનુ ઉર્ફે કાંતિ, હસમુખ, કેતન અને અન્ય બે શખ્સો સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ શખ્સોએ લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે નટુભાઈના માથા અને શરીરના અન્ય ભાગોમાં નિર્દયતાપૂર્વક માર માર્યો હતો.
આ ભીષણ હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ગુનેગારોની ક્રૂરતાની સાક્ષી પૂરે છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે માત્ર 22 સેકન્ડના ટૂંકા ગાળામાં 4 હુમલાખોરોએ ભેગા મળીને નટુભાઈ પર લાકડી અને લોખંડની પાઇપના 36 જેટલા ફટકા માર્યા હતા. આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા પાછળનું કારણ નટુ પરમારની પુત્રવધૂના પરિવાર સાથેનો પારિવારિક વિવાદ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની દીકરીના જણાવ્યા અનુસાર, અગાઉ પણ 60થી 70 લોકોના ટોળાએ તેમના ઘર પર હુમલો કર્યો હતો. તે સમયે પોલીસ દ્વારા કોઈ નક્કર મદદ મળી ન હોવાનો આક્ષેપ પણ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. હવે પરિવારજનો ન્યાયની માંગ સાથે આરોપીઓની ત્વરિત ધરપકડ અને પોલીસ સુરક્ષાની માંગ કરી રહ્યા છે.
આ હત્યાના સમાચાર ફેલાતા જ સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ આરોપીના ઘરે જઈને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી તેમને રોક્યા હતા. આ ઉપરાંત, લગભગ 300થી 400 લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને રાજીવનગરથી જીવરાજ તરફ જતો મુખ્ય રસ્તો બંધ કરી પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ હાલ હુમલાના ચોક્કસ કારણો અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે ઊંડી તપાસ કરી રહી છે.