શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ થતા માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિણીતાને ઘરમાં શૌચાલય સાફ કરવા બાબતે સસરા સાથે ચડભડ થયા બાદ આ બાબતે માઠું લાગી જતા તેણે આ પગલું ભરી લીધું હતું. પરિણીતાના આ પગલાંથી દોઢ વર્ષની માસુમ બાળકી માતાવિહોણી બની છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં ઉદયનગર-૨ શ્રીનાથજી સોસાયટીમાં શેરી નં.૫ માં રહેતી રીનાબેન સાગરભાઇ ગોહિલ(ઉ.વ. ૨૦) નામની પરિણીતાએ ગઇકાલે બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ સમયે તેના પતિ અને સસરા જેઓ દરજી કામની દુકાન ધરાવતા હોય તે ત્યાં હતાં. દરમિયાન બાળકીના રડવાનો સતત અવાજ આવતા પાડોશીને ડેલી ખોલી જોતા પરિણીતા લટકતી હાલતમાં જોવા મળી હતી. બાદમાં આ અંગે તેના પતિને જાણ કરી હતી. બાદમાં ૧૦૮ ને જાણ કરતા અહીં પહોંચી જોઇ તપાસી પરિણીતાને મૃત જાહેર કરી હતી. આપઘાતના આ બનાવને લઇ માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ સી.પી.રાઠોડે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, પરિણીતાનો લગ્નગાળો બે વર્ષનો છે તેના પતિ અને સસરા સાથે દરજી કામની દુકાનમાં કામ કરે છે. પરિણીતાને સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. પરિણીતાને ઘરમાં શૌચાલય સાફ કરવા બાબતે સસરા સાથે ચડભડ થયા બાદ આ બાબતનું માઠું લાગી જતા તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઓમનગરમાં બીમારી સબબ પરિણીતાનું મોત
મવડી ચોકડી પાસે ઓમનગરમાં રહેતી રવીણાબેન દિપકભાઇ દાણીધારીયા(ઉ.વ. ૨૬) નામની પરિણીતાની બીમારી સબબ તબીયત લથડતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરિણીતાનો લગ્નગાળો ચાર વર્ષનો છે. તેમના પતિ ડ્રાઇવીંગ કામ કરે છે. પરિણીતાનું માવતર દ્વારકાના સોનારડી ગામે છે. પરિણીતાને છેલ્લા થોડા દિવસથી શરદી હોય અને ટી.બી પણ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.