હાલ ઉપલેટના નાગવદર ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ જામગરમાં રહેતા પતિ અને સાસુ-સસરા સામે શારીરિક- માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકયા અંગેની ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હાલ ઉપલેટાના નાગવદર ગામે માવતરના ઘરે રહેતી પરિણીતા સ્મિતાબેન (ઉ.વ.26) દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે કર્મચારી નગર ક્રિકેટ ક્લબની બાજુમાં રહેતા પતિ યાજ્ઞિક રાજાભાઈ રાઠોડ, સસરા રાજાભાઈ અને સાસુ મંજુલાબેનના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ગત તા. 20/5/2022 ના યાજ્ઞિક રાઠોડ સાથે થયા હતા. જે લગ્નજીવન થકી સંતાનમાં 11 માસનો પુત્ર જય છે. લગ્ન બાદ ઓગસ્ટ 2023 માં પરિણીતાના સ્ત્રી ધનના દાગીના સાસરીયાઓએ લઈ લીધા હતા. લગ્નના એક વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ પતિને દારૂ પીવાની કુટેવ હોય જેથી પતિ અવારનવાર ગાળો બોલતો અને દર 15 દિવસે મારકૂટ કરતો હતો. તેમ છતાં સાસુ- સાસરા પતિને સમજાવવાના બદલે પરિણીતાને ગાળો આપતા હતા અને પરિણીતાના ચારિત્ર અંગે પતિની ખોટી ચઢામણી કરતા હતા. આ રીતે શારીરિક માનસિક ત્રાસ આપતા છતાં બધું સારું થઈ જશે તેવું માની પરિણીતાએ આ બધું મોંઘા મોઢે સહન કર્યું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, સાસુ કહેતા હતા કે, તું અભાગણ છો તારા લીધે અમારા ઘરમાં કજીયા- કંકાસ થાય છે તેમ કહી સાસુ સસરાએ ઘરેથી કાઢી મુકતા પરિણીતાએ માતા કુસુમબેનને ફોન કરતા તે જામનગર આવી તેડી ગયા હતા. ઘરે આવ્યા બાદ પરિણીતાએ સાસરીઓએ આપેલા દુઃખ, ત્રાસની વાત કરી હતી. એક મહિનો માવતરના દરેક રીસામણે રહ્યા બાદ પતિ તથા સાસુ-સસરા ઘરે આવી સમાધાન કરી તેડી ગયા હતા. આવી રીતે પરિણીતા સાત વખત રીસામણે આવી હતી.
11 માસ પહેલા પરિણીતા માવતરના ઘરે હતી ત્યારે પુત્ર જયનો તારીખ 6/1/2025 ના જન્મ થયો હતો. જે ડીલીવરીનો બધો ખર્ચ માવતર ભોગવ્યો હતો. આ ખર્ચ સાસુ -સસરા તથા પતિને આપવાનું કહેતા ઝઘડો કરી ત્યાંથી જતા રહ્યા હતા અને ખર્ચ આપ્યો ન હતો. ત્યારબાદ પુત્રની સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક મહિનો રોકાયા હતા. સાસુ સસરાના ઘરે જતા ગત તા. 3/7/2025 ના પતિએ મારકૂટ કરી તેમજ સાસુ-સસરાએ તારા કારણે અમારા ઝઘડા થાય છે તેવા મેણા ટોણા મારી ઘરેથી કાઢી મુકતા પરિણીતા માવતરના ઘરે આવી હતી અને બાદમાં અંતે પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.