#aajkaal team
રાજકોટમાં વોકળામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર
રાજકોટ શહેરમાં આજે સવારથી ચકચાર મચી ગઈ હતી, કારણ કે સદર વિસ્તારમાં આવેલ રમેશભાઈ છાયા સ્કૂલની સામે આવેલા વોકળામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. વિજય બેન્ક પાછળના વોકળામાંથી છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનું સ્થાનિક રહીશોએ નોંધ્યું હતું. આજ સવારના સમયગાળા દરમિયાન કેટલાક લોકોએ ચેક કરતા વોકળાના ગંદા પાણીમાં માણસની લાશ નજરે પડતાં તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી.
પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને લાશને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહ સંપૂર્ણ રીતે કોહવાઈ ગયેલો હોવાથી પ્રાથમિક તારણ મુજબ ચારથી પાંચ દિવસ પહેલા તેનું મોત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસ તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે તથા ગુમ થયેલ વ્યક્તિઓ અંગેની નોંધો પણ ચકાસી રહી છે.
પ્રાથમિક રીતે આ બનાવ અકસ્માત છે કે હત્યા, તે અંગે સ્પષ્ટતા થઈ નથી. વોકળા નજીક કોઈ ઝઘડાની કે અથડામણની ચીન્હો મળી આવ્યા નથી, તેમ છતાં પોલીસે કોઈ સંજોગોમાં મોત થયું તેની દિશામાં તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાય અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.