ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. ૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.
આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા. ૧૪ નવેમ્બરથી જ ૧૫ દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે ખેડુતો માટે સગવડ રહે તે માટે રાજયના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ વિચાર વિમર્શ કરીને અરજી કરવાની તારીખમાં વધારો કર્યો છે અને જેઓએ અરજી કરી નથી તેવા ખેડુતો તા.૫ ડીસેમ્બર સુધીમાં અરજી કરી શકશે.
ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ એટલે કે, આગામી તા. ૫ ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત તા. ૧૪ નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application