BREAKING NEWS

સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ: અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 8થી વધુ યુવકોને છેતર્યા

  • August 02, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરમાં લગ્ન વાંછુક યુવકો અને તેમના અબુધ પરિવારોને પ્રેમજાળ તથા લગ્નની લાલચ આપી લાખો રૂપિયા ઉલેચતી લૂંટેરી દુલ્હન ગેંગનો કાપોદ્રા પોલીસ મથક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતના એક પરિવારના ૨૨ વર્ષીય યુવકના લગ્ન કરાવીને રૂ. ૫ લાખ ઉસેટી લેવાના ગંભીર ગુનામાં વલસાડના માસ્ટરમાઇન્ડ હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક ઉર્ફે રાજુને પકડવા માટે પોલીસે અનોખી ચોક્કસ વ્યૂહરચના બનાવી હતી. કાપોદ્રા પોલીસના કોન્સ્ટેબલ અને તેમની ટીમે પોતે જ લગ્ન કરવા માંગતા હોવાનું નાટક કરી નકલી મૂરતિયો બની આ શાતિર ઠગ સાથે સંપર્ક કર્યો હતો અને તેને ચાલાકીથી ઉત્રાણ પાસે બોલાવીને ત્વરિત દબોચી લીધો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી હિતેશ કાપડીયા અને તેની ગેંગે અત્યાર સુધીમાં ૮થી વધુ નિર્દોષ યુવકો સાથે લગ્નના નામે મોટી છેતરપિંડી આચરી છે. સુરત શહેરના કાપોદ્રા, ઉત્રાણ, અડાજણ, અમરોલી ઉપરાંત રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ આ ગેંગે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવીને આર્થિક ચૂનો લગાવ્યો હતો. આટલું જ નહીં, ગોંડલમાં પણ એક યુવક પાસેથી રૂપના અંબાર ધરાવતી ખૂબસૂરત યુવતી સાથે લગ્ન કરાવવાના બહાને રૂ. ૩.૫૦ લાખ પડાવતો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ ટોળકી બોગસ આધારકાર્ડ બનાવીને અલગ-અલગ ખોટી ઓળખ ઊભી કરી લોકો સાથે ઠગાઈ આચરતી હતી.

ઉંડાણપૂર્વકની તપાસ દરમિયાન સામે આવ્યું કે, હિતેશની આ ગેંગમાં પાંચ લૂંટેરી દુલ્હન અને ત્રણ પુરૂષો સામેલ હતા. આ ગેંગમાં સ્વાતિ, શિતલ, રેશમા, પ્રણાલી અને રૂબી નામની યુવતીઓ સક્રિય રીતે સામેલ હતી. હિતેશ સિવાય ટોળકીના અન્ય બે પુરુષો અલગ-અલગ નામ ધારણ કરીને કન્યાના પિતા કે ભાઈનો બોગસ રોલ ભજવતા હતા. ખુદ હિતેશ પણ અલગ-અલગ નામો ધારણ કરીને લોકોને ગુમરાહ કરતો હતો. કાપોદ્રા પોલીસને તપાસ દરમિયાન તેની પાસેથી અલગ-અલગ નામ ધરાવતા અનેક બોગસ આધારકાર્ડ સહિતના ઓળખપત્રો મળી આવ્યા છે, જે તેના ગુનાહિત ઈરાદાઓની સાક્ષી પૂરે છે.

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. એમ. સોલંકી પાસે જીતુભાઈ નામનો પીડિત પરિવાર આવ્યો હતો. છેલ્લા થોડા સમયથી હૈદરાબાદ અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા જીતુભાઈ પોતાના ૨૨ વર્ષીય પુત્ર સાથે પોલીસ મથકે આવ્યા હતા. તેમણે પુત્રના લગ્ન વલસાડના મોગરાવાડીના હિતેશ રતિલાલ કાપડીયાને રૂ. ૨.૨૦ લાખ આપી તેની સાળી સ્વાતિ રાજકુમાર રજક (રહે. નાગપુર) સાથે ગત ૨૮મી માર્ચે કરાવ્યા હતા. લગ્નમાં દુલ્હનના ઘરેણાં અને અન્ય ખર્ચ મળી રૂ. ૨.૮૦ લાખનો ખર્ચ થયો હતો. પરંતુ લગ્નના એક જ મહિનામાં આ દુલ્હન તથા તેની પત્ની બનીને આવેલી અનિતા બાબુરાવ કદમ અને પત્નીની ફોઈની પુત્રી શિતલ તમામ રોકડ અને દાગીના લઈને રફુચક્કર થઈ ગઈ હતી.

પીડિત પરિવારે આ શખ્સનો ફોટો બતાવતાં જ કાપોદ્રા પોલીસ આખો મામલો સમજી ગઈ હતી. હિતેશ કાપડીયા લૂંટેરી દુલ્હન ટોળકીનો માસ્ટરમાઇન્ડ હતો અને જે તેની પત્ની કે સાળી બનીને આવી હતી તે બધી જ તેની ટોળકીની સભ્યો હતી. બહુનામધારી હિતેશ કાપડીયા, રાહુલ, રસિક કે રાજુ જેવા નામો ધારણ કરીને લગ્ન વાંચ્છુક યુવકો અને આધેડને ખંખેરી લેતો હતો. વરાછા, ગાંધીનગર, વલસાડ, ભાવનગર અને કતારગામ જેવા વિસ્તારોમાં તે ભૂતકાળમાં પણ પકડાઈ ચૂક્યો છે અને હાલ પોલીસ તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application