BREAKING NEWS

ગિફ્ટ સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સામે રેરાની લાલ આંખ: બેંક એકાઉન્ટ ફ્રીઝ અને નવા બુકિંગ પર પ્રતિબંધ

  • September 23, 2026 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ગિફ્ટના A, B અને D ટાવર પ્રોજેક્ટ સામે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા અત્યંત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત સમયમર્યાદા ૩૦ જૂન, ૨૦૨૪ના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં તેનું બાંધકામ હજુ સુધી અધૂરું છે. આ ઉપરાંત, પ્રમોટર દ્વારા પ્રોજેક્ટનો જરૂરી કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો નથી, જેને ધ્યાનમાં રાખીને ઓથોરિટીએ આ પગલું ભર્યું છે.

રેરા ઓથોરિટી દ્વારા ગત ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ એક સામાન્ય આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે પ્રમોટરને વહેલી તકે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો કે, આદેશ હેઠળ આપવામાં આવેલા સૂચનાઓનું પાલન કરવા માટે પ્રમોટર દ્વારા કોઈ જ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી, તેમજ આ આદેશ સામે અપીલેટ ટ્રિબ્યુનલમાં કોઈ અપીલ પણ દાખલ કરવામાં આવી ન હતી.

રેરા દ્વારા લેવાયેલી કડક કાર્યવાહી

તાત્કાલિક અસરથી પ્રોજેક્ટનું RERA બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ અંતર્ગત નવા યુનિટ્સના બુકિંગ લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રમોટરનું RERA પોર્ટલ એક્સેસ રદ કરી દેવામાં આવ્યું છે.

અધૂરા બાંધકામને વહેલી તકે પૂર્ણ કરવા માટેની આગામી કાનૂની અને વહીવટી પ્રક્રિયાની વિચારણા હાથ ધરવામાં આવી છે.

રેરાએ જાહેર નોટિસ બહાર પાડી પ્રોજેક્ટનું અધૂરું બાંધકામ પૂર્ણ કરાવવા માટે રેરા એક્ટની કલમ-8 હેઠળની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ફાળવણીકારો અને અન્ય અસરગ્રસ્ત પક્ષકારો પાસેથી વાંધા અને દાવા મંગાવવામાં આવ્યા છે. ફાળવણીકારો કે અન્ય સંબંધિત વ્યક્તિઓ પોતાના વાંધા-દાવા ડિજિટલ માધ્યમથી અથવા ગાંધીનગર સ્થિત ગુજરાત રેરાની કચેરીમાં લેખિતમાં 2 નવેમ્બર, 2026 સુધી રજૂ કરી શકશે. હવે રેરા અધૂરા પ્રોજેક્ટના વિકાસ કામને આગળ વધારવા અને ફાળવણીકારો સહિત અસરગ્રસ્ત પક્ષકારોના હિતોનું રક્ષણ કરવા અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application