રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી અંડર-૧૯ યુથ વનડે શ્રેણીની અંતિમ અને રોમાંચક મેચમાં ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવ્યો છે. આ વિજય સાથે ભારતે ૩ મેચની આ શ્રેણી ૩-૦થી ક્લીન સ્વીપ કરીને કબ્જે કરી લીધી છે. ફાઈનલ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાણી શાનદાર ઇનિંગ રમ્યા હતા. આજની મેચમાં તેણે 106 બોલમાં 110 રન બનાવતા મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૪૯.૩ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૨૫૪ રનનો સ્કોર બનાવ્યો હતો અને ભારતને જીતવા માટે 255 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમેન ઝેડ. હોલીકે ૮૮ બોલમાં ૧૨ ચોગ્ગાની મદદથી ૮૭ રન અને નીલ પટેલે ૭૧ બોલમાં ૧ ચોગ્ગાની મદદથી ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલિંગ આક્રમણમાં મોહિત ઉલવા અને મનલ ચૌહાણે શાનદાર પ્રદર્શન કરતા ૩-૩ વિકેટ ઝડપી હતી, જ્યારે આ મેચથી ડેબ્યુ કરનાર સૌરાષ્ટ્રના સ્થાનિક ખેલાડી આર્યન સવસાણીએ ૬ ઓવરમાં ૩૯ રન આપીને ૧ વિકેટ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 255 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીની આગેવાનીમાં શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીએ શાનદાર બેટિંગ કરતા ૧૦૬ બોલમાં અણનમ ૧૧૦ રનની કેપ્ટન ઇનિંગ રમી હતી, જેમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા સામેલ હતા. આ ઉપરાંત આર્યવીર સહેવાગે ૩૧ બોલમાં ૩૪ રન, કુશાગ્ર ઓઝાએ ૫૩ બોલમાં ૪૫ રન અને રજત બાઘેલે ૩૪ બોલમાં ૪૪ રનની ઉપયોગી રમત રમી હતી. ભારતીય ટીમે માત્ર ૪૧.૨ ઓવરમાં ૪ વિકેટના નુકસાને ૨૫૫ રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કરી લીધો અને ૬ વિકેટથી મેચ જીતી લીધી હતી. શાનદાર સદી ફટકારનાર કેપ્ટન લક્ષ્ય રાયચંદાણીને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા.

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં સ્થાનિક ખેલાડીઓ માટે પણ આ અનુભવ યાદગાર રહ્યો હતો. મોહિત ઉલવાએ ૯.૩ ઓવરમાં ૧ મેડન સાથે ૪૩ રન આપી ૩ વિકેટ લીધી હતી, જ્યારે આર્યન સવસાણીએ પોતાના ડેબ્યુ મેચમાં જ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે યુથ વનડે શ્રેણી પર ૩-૦થી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, અને હવે આગામી ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન યુથ ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રારંભ થશે.