હોંગકોંગમાં બે દિવસ પહેલા એક કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગ હજુ પણ સંપૂર્ણપણે કાબુમાં આવી નથી. ગુરુવારે બીજા દિવસે પણ બચાવ ટીમો આ બહુમાળી રહેણાંક સંકુલમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહી હતી. મૃત્યુઆંક વધીને 94 થયો છે, જ્યારે 280 થી વધુ લોકો ગુમ છે. અધિકારીઓએ આ ભયાવહ ઘટનાને 70 વર્ષમાં શહેરની સૌથી ખરાબ દુર્ઘટના ગણાવી હતી.
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે 76 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 43 લોકો ગંભીર છે. મૃતકોમાં એક ફાયર ફાઇટરનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો હજુ પણ ઇમારતોમાં ફસાયેલા છે. સાત બ્લોકમાંથી ચાર બ્લોકને ઘેરી લેનારી ભીષણ આગને કાબુમાં લેવામાં આવી છે, જ્યારે બાકીની 31 માળની ઇમારતોના ઉપરના માળે આખી સાંજ સુધી આગ ભભૂકી રહી હતી. એક વિશાળ બચાવ કામગીરી ચાલી રહી છે, અને ફસાયેલા રહેવાસીઓને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવી રહી છે.
આગથી પ્રભાવિત લોકો માટે રાહત પેકેજ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સરકારે આ ઘટનાની ફોજદારી તપાસનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 32 માળની દરેક સાત ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી. હોંગકોંગ સરકારે અસરગ્રસ્ત લોકો માટે રાહત તરીકે 300 મિલિયન હોંગકોંગ ડોલર(આશરે 43 મિલિયન યુએસ ડોલર)ની જાહેરાત કરી છે. સેંકડો વિસ્થાપિત રહેવાસીઓને કામચલાઉ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
બાંધકામ કંપનીના ત્રણ અધિકારીની ધરપકડ
1983માં તાઈ પો જિલ્લામાં બનેલા વાંગ ફુક કોર્ટ સંકુલમાં 1,984 ફ્લેટ ધરાવતી આઠ બહુમાળી ઇમારતો છે. 2021ની વસ્તી ગણતરી મુજબ, આ ઇમારતોમાં આશરે 4,600 લોકો રહેતા હતા. ચીનની સરકારી સમાચાર એજન્સી, શિન્હુઆ અનુસાર, હોંગકોંગ પોલીસે 27 નવેમ્બરે જાહેરાત કરી હતી કે આગના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ત્રણ લોકો ઇમારતોના નવીનીકરણ દરમિયાન આ સામગ્રી સ્થાપિત કરવા માટે જવાબદાર બાંધકામ કંપનીના અધિકારીઓ છે.
અધિકારીઓની બેદરકારીના લીધે આગ વધી હોવાનું અનુમાન
પોલીસનું કહેવું છે કે જાળવણી કાર્ય દરમિયાન ઉપયોગમાં લેવાતા જ્વલનશીલ સ્કેફોલ્ડિંગ અને ફોમ સામગ્રીને કારણે આગ આટલી ઝડપથી ફેલાઈ હશે. હોંગકોંગના પોલીસ અધિક્ષક ઈલીન ચુંગે જણાવ્યું હતું કે, "અમારી પાસે એવું માનવાનું કારણ છે કે કંપનીના જવાબદાર અધિકારીઓએ ખૂબ જ બેદરકારી દાખવી હતી, જેના કારણે અકસ્માત થયો અને આગ અનિયંત્રિત રીતે ફેલાઈ ગઈ, જેના પરિણામે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.