જામનગરથી ૧૩ કિ.મી. દુર આવેલા ગોરધનપરમાં આશરે ૧૦૦ વિઘા સરકારી ખરાબાની જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી કેટલાક ગેરકાયદેસર બાંધકામો થઇ ગયા હતાં, આ બાંધકામો તાત્કાલીક દુર કરવા જિલ્લા કલેકટર કેતન ઠકકરે આદેશ આપતા આજે સવારે ગ્રામ્ય મામલતદાર એમ.જે.ચાવડાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આશરે ૧૦૦ વિઘા જમીન ઉપર એક હોટલ સહિત આશરે ૧૮ જેટલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જામનગર ગ્રામ્ય મામલતદારને અગાઉ પણ માહિતી આપી કે, હોટલ, ઇંટના ભઠ્ઠા તેમજ નાના-મોટા બાંધકામો આશરે ૧૦૦ વિઘા જમીનમાં સરકારી ખરાબા નં.૧૦૩માં થઇ ગયા હતાં, આજ સાંજ સુધીમાં આ દબાણો હટાવી દેવામાં આવશે, મામલતદાર એમ.જે.ચાવડાના જણાવ્યા અનુસાર રોડ ટચની આશરે ૧૦૦ વિઘા જમીન ઉપર છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર બાંધકામો થઇ ગયા હતાં અને તેઓને કાયદેસરની નોટીસ પણ પાઠવવામાં આવી હતી, પરંતુ આ લોકોએ નોટીસનો ઉલાળીયો કર્યો હતો, પરંતુ આજે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ રોડ ટચની આશરે ૧૦૦ વિઘા જેટલી જમીન ઉપર થયેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં.

એવું પણ કહેવાય છે કે, વર્ષોથી આ જમીન ઉપર ગેરકાયદેસર દબાણો થઇ ગયા હતાં અને તેની સામે આંખ આડા કાન કરવામાં આવતા હતાં, ઇંટોના ભઠ્ઠા અને હોટલ સહિતના બાંધકામો આ ખરાબાની જમીન ઉપર થઇ ગયા હતાં તે અત્યાર સુધી શા માટે અધિકારીઓની નજરે આવ્યું ન હતું ? તે પણ એક પ્રશ્ર્ન ઉભો થયો છે, અગાઉ અધિકારીઓ દ્વારા દબાણો કરનારાઓને નોટીસ પણ પાઠવવામાં આવી હતી, પરંતુ આ નોટીસને ન ગણકારતા આજે તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી, આ દબાણ દુર કરતી વખતે કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, લગભગ સાંજ સુધીમાં આ તમામ બાંધકામો દુર કરી દેવામાં આવશે.
આ જમીન રોડ ટચની હતી અને આ ૧૦૦ વિઘા જમીનનો બજાર ભાવ કરોડો રૂપિયા થાય છે, એટલે જ કેટલાક લોકોએ ગોરધનપરની આ સરકારી ખરાબાની જમીનો ઉપર દબાણ કર્યુ હતું, આમ આજે ગ્રામ્ય મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા આ ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી છે જેનાથી દબાણકારોમાં ફફડાટ મચી ગયો છે.