BREAKING NEWS

થાનગઢમાં તંત્રના મધરાત્રે બૂલડોઝર ધણધણ્યા, 260 દબાણો તોડી 210 કરોડની જમીન ખુલ્લી કરાઈ

  • January 22, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મોડી રાત્રે તંત્ર દ્વારા સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી થાનગઢના સૂર્યા ચોકથી સોનગઢ તથા તરણેતર રોડ પર આવેલી સરકારી જમીન ઉપર કરવામાં આવી હતી, જ્યાં મોટાપાયે ગેરકાયદેસર બાંધકામો થયા હોવાની લાંબા સમયથી ફરિયાદો હતી. રાત્રે જ 260 ગેરકાયદે દબાણો તોડી 210 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે. 


ચોટીલા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મુળી મામલતદાર, ચોટીલા મામલતદાર તેમજ થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોડી રાત્રે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, હોમગાર્ડ અને વહીવટી સ્ટાફે સતત દેખરેખ રાખી હતી.


મળતી માહિતી અનુસાર સૂર્યા ચોકથી તરણેતર માર્ગની બંને બાજુએ સરકારી સર્વે નંબર ૭૯, ૮૧, ૮૯ તથા ૩૪૯ પર મોટા પ્રમાણમાં પાકા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં કુલ 231 દુકાનો, સાત સેનેટરીવેરના કારખાના તેમજ 17 રહેણાંક મકાનો સહિત કુલ 260 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. લાંબા સમયથી ચાલતા દબાણોના કારણે સરકારી જમીનનો વ્યાપક ઉપયોગ થતો ન હતો.


તંત્ર દ્વારા કરાયેલી આ કામગીરીથી અંદાજીત રૂ. 210.26 કરોડની કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે દબાણમુક્ત થયેલી જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે, જેથી ફરીથી ગેરકાયદેસર દબાણ ન થાય. સાથે જ સરકારી જમીનની સુરક્ષા અને જાળવણી માટે વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે.


મધરાત્રે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી થાનગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા ઉઠી છે. કેટલાક લોકો આ પગલાને કડક અને જરૂરી ગણાવી રહ્યા છે, તો કેટલાકમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. તેમ છતાં તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર થયેલા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application