વેસ્ટ ઝોન ટીપી બ્રાન્ચનો કાફલો બુલડોઝર સાથે ત્રાટક્યો, કટારીયા ચોકડી બ્રિજમાં નડતાં 25 મકાનો તોડી પાડ્યા

  • June 10, 2025 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં ગૌરવપથ કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડી ખાતે નિર્માણાધિન ફ્લાય ઓવર બ્રિજ પ્રોજેક્ટના સર્વિસ રોડમાં નડતરરૂપ એવા ટીપી પ્લોટમાં દબાણ-ગેરકાયદે બાંધકામ કરીને બનાવેલા કાચા-પાકા ૨૫ મકાનોનું વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ડિમોલિશન કરીને બ્રિજના સર્વિસ રોડ માટેની જમીન ખુલી કરાવવામાં આવી હતી.


ગેરકાયદે બાંધકામ કરીને બનાવેલા ૨૫ જેટલા કાચા પાકા મકાનો ધ્વસ્ત

વિશેષમાં વેસ્ટ ઝોનના મ્યુનિ.સિટી એન્જીનિયર કુંતેશ કે.મહેતાએ જણાવ્યું હતું કે કટારીયા ચોકડીએ બ્રિજ પ્રોજેક્ટનું કામ આગળ ધપી રહ્યું છે તે અંતર્ગત હાલમાં બ્રિજના સર્વિસ રોડ માટે જમીનનું ડિમાર્કેશન કરી રિટેઇનિંગ વોલ બનાવવાનું કામ શરૂ કરાયું છે. દરમિયાન કટારીયા ચોકડીએ કટારીયા શોરૂમની બરાબર સામેની બાજુએ કાલાવડ રોડ-ન્યુ રિંગ રોડ કોર્નર ઉપર ટ્રાફિક પોલીસ ચોકી પાસે આવેલા મોટા મવા ટાઉન પ્લાનિંગ સ્કિમ નં.૧૦ના અંતિમ ખંડ નં.૭૯/બી કે જે સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુ માટેનો રિઝર્વેશનનો પ્લોટ છે તેમાં દબાણ તેમજ ગેરકાયદે બાંધકામ કરીને બનાવેલા ૨૫ જેટલા કાચા પાકા મકાનો ઉભા હતા. 


મકાનો બ્રિજના સર્વિસના રોડમાં નડતરરૂપ

જે બ્રિજના સર્વિસના રોડમાં નડતરરૂપ હોય અગાઉ નોટિસ આપ્યા બાદ આજે મ્યુનિસિપલ કમિશનરના આદેશ અને ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન હાથ ધરીને મકાનો ઉપર બુલડોઝર ફેરવી દઇ પ્લોટ દબાણ મુક્ત કરાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે અહીં જમીનની પ્રતિ ચોરસ મીટર દીઠની કિંમત રૂ.એક લાખ છે અને ઉપરોક્ત પ્લોટની ૧૫૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાવતા કુલ રૂ.૧૫ કરોડની જમીન ખુલી કરાવાઇ હતી.


ઉપરોક્ત ડિમોલિશનમાં વેસ્ટઝોન સિટી એન્જીનિયર, ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા, રોશની શાખા, ફાયર બ્રિગેડ, વિજિલન્સ પોલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application