અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવા વહેલી સવારથી કામગીરી હાથ ધરાઈ હતી. આજે વહેલી સવારથી ચાર ફેઝમાં આઠ ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી હતી અને બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શહેરના ઝોન છ પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. દસ હિટાચી મશીન અને પાંચ જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ધાર્મિક સિવાયના દબાણો હટાવવામાં આવ્યા હતા. 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ડિમોલિશન કામગીરી જોવા માટે સ્થાનિકો ભેગા થયા હતા, જેથી તમામને ઘરમાં રહેવા માટે જણાવાયું હતું.
ગેરકાયદેસર બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલા ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી હતી. તળાવની બાજુમાંથી 18 અને 24 મીટરના રોડ પસાર થાય છે જે હાલમાં હયાત આઠ મીટર જેટલા છે. જેથી રોડ ઉપર આવેલા આ તમામ ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર અને રીદ્ધેશ રાવલ તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ વાંદરવટ તળાવ ખાતે હાજર રહ્યા હતા.
આ ડિમોલિશન પૂર્ણ થતા વાંદરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થઈ છે. વાંદરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટર લિંકિગ કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર અને કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોને પ્રદૂષણ અને દબાણમુક્ત કરવાનું આયોજન ચાલી રહ્યું છે. વટવા વિસ્તારમાં થઈ રહેલું આ ડિમોલિશન છેલ્લા કેટલાક સમયમાં શહેરના દક્ષિણ વિસ્તારમાં કરવામાં આવેલી સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે.
કોર્પોરેશને સ્થાનિકનો સીમંતોન્નયન પ્રસંગ સાચવ્યો
ડિમોલિશન થઈ રહ્યું હતું ત્યાં બાજુમાં આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં આજે એક ભરવાડ સમાજનો સીમંતોન્નયનનો પ્રસંગ છે. જેથી બાજુમાં આવેલી જગ્યામાં મંડપ બાંધી અને ત્યાં રસોડું કરવામાં આવ્યું છે. આજે સવારથી ડિમોલિશન શરૂ કરતાં સ્થાનિકોએ બપોર સુધીનો જમણવારનો પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી રસોડું કરાયું છે ત્યાં ડિમોલિશન બપોર બાદ કરવા વિનંતી કરાઈ હતી. સ્થાનિક રહેવાસીનો પ્રસંગ ન બગડે તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા તે જગ્યામાં બપોર બાદ ડિમોલિશન કરવાનો નિર્ણય લેવાયો છે.