BREAKING NEWS

મોરબીના મણીમંદિર પરિસરમાં દરગાહનું ડિમોલિશન, બંદોબસ્ત માટે પોલીસના ધાડેધાડા ઉતારાયા

  • December 03, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના હેરિટેજ મણીમંદિર પરિસરમાં આવેલી ગેરકાયદેસર દરગાહનું વિશાળ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડમોલેશન કરવામાં આવ્યું હતું. રાજકોટ-જામનગર સહિત કુલ લગભગ ૧૦૦૦ જેટલા પોલીસ કર્મીઓના કડક બંદોબસ્ત સાથે ૧૦થી વધુ જેસીબી, ૨ હિટાચી અને ૧૦ કરતાં વધુ ડમ્પરથી અઢી કલાકમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે અનેક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને શાંતિ જળવાઈ રહે તે માટે અપીલો કરવામાં આવી છે.


મળતી વિગતો અનુસાર, મોરબીના મણીમંદિરના પરિસરમાં વર્ષોથી ગેરકાયદેસર દરગાહ અંગે વર્ષ ૨૦૨૨માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે અગાઉ હાઈકોર્ટ દ્રારા સ્ટે આપવામાં આવ્યો હતો, જોકે બાદમાં સ્ટે હટતા મુદ્દો ફરી પેચીદો બન્યો હતો. ત્યારે તા.૦૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરે આશરે ૨.૩૦ કલાકે આ ગેરકાયદેસર દરગાહનું ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું, તેના અડધા કલાક પહેલાં જ બેઠો પુલ સુરક્ષા કારણોસર બધં કરી દેવાયો હતો. 


આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે મોરબી પોલીસ, રાજકોટ અને જામનગરથી બોલાવેલ વધારાના દળ સાથે કુલ ૫૦ જેટલા પોલીસ અધિકારીઓ અને લગભગ ૧૦૦૦ જેટલા પોલીસ કર્મીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા. મણીમંદિર ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. ૧૦થી વધુ જેસીબી, ૨ હિટાચી અને ૧૦થી વધુ ડમ્પરની મદદથી માત્ર અઢી કલાકમાં દરગાહનું દબાણ સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

ડીમોલેશનની કામગીરી ઝડપથી પૂર્ણ થયા બાદ ખાખરેચી દરવાજા પાસે, યાંથી મશીનો અને ડમ્પર લાવવામાં આવ્યા હતા, તોડાયેલી દીવાલ તાત્કાલિક ફરી ચણવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે કાયદો અને વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીમોલેશન દરમિયાન એ ડિવિઝન પોલીસ મથક પાસે મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારે પોલીસ દ્રારા તેમને સમજાવીને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મોરબી જેલ રોડ તેમજ આસપાસના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારીને શાંતિ જળવાઈ રહે તેની કાળજી લીધી હતી.


ડીમોલેશન બાદ મોરબી જિલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલે જણાવ્યું કે, મણીમંદિરની બાજુમાં આવેલ ગેરકાયદેસર દરગાહ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બની હતી. વર્ષ ૨૦૨૨માં નોંધાયેલા કેસમાં તેઓ કોઈ માલિકીના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. કોર્ટ દ્રારા કેસ એબેટ થતાં જમીન પરત મેળવવા આર એન્ડ બીને હુકમ કરવામાં આવ્યો હતો. એસપી પટેલે જણાવ્યું કે, શહેરમાં બંદોબસ્ત માટે ૨૦૦–૨૫૦ બહારના પોલીસ કર્મીઓ, બહારના 5 ડીવાયએસપી અને સ્થાનિક ૩ ડીવાયએસપી સહિત કુલ ૫૫૦ સ્થાનિક પોલીસ કર્મીઓ તહેનાત કરાયા હતા. તેઓએ મોરબીની પ્રજાને અપીલ કરી કે કોઈ પણ ખોટી દોરવણી, અફવા કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. 


સોશિયલ મીડિયામાં અફવાઓ પર વિશ્વાસ ન કરવા તથા કોઈ પણ શાંતિ ભગં થાય તેવી પોસ્ટ ન કરવા અનુરોધ કરાયો હતો.વધુમાં એસપીએ જણાવ્યું કે, એ ડિવિઝન પોલીસ મથક પાસે કેટલાક લોકોએ તોડફોડ કરી હતી, જેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસની પ્રથમ પ્રાથમિકતા મોરબી શહેરમાં શાંતિ અને કાયદો–વ્યવસ્થા જાળવી રાખવાની છે. મોરબીમાં મણિમંદિરની બાજુમાં ગેરકાયદેસર દરગાહનું દબાણ દૂર થતા વર્ષેા જૂનો વિવાદ પૂર્ણ થયો છે, ત્યારે પોલીસ તત્રં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા ચુસ્ત બંદોબસ્ત સાથે ખડેપગે રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application