ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહાનગરો–શહેરો માટે બદલાયેલા સિસ્મિક ઝોનિંગ મેપના આધારે નવા ભૂકપં પ્રતિરોધક ડિઝાઇન કોડ–૨૦૨૫ જાહેર કરાયા હતા. પરંતુ આ સીસ્મિક ઝોનના પરિણામે સરકારના ચાલતા પ્રોજેકટ કોસ્ટ માં મોટા પાયે વધારો થતો હોવાના પરિણામે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરીએટ દ્રારા ગ્રાહક બાબતોના વિભાગને ગેઝેટમાં જાહેર કરાયેલી ભૂકપં જોખમની ડિઝાઇન અને ભૂકપં પ્રતિરોધક માળખાની રચના માટેના માપદડં અને આચરણ સંહિતા પરત ખેંચવા સલાહ આપી છે.
અગાઉ કરતા ભૂકંપનું જોખમ ઉંચુ હોય તેમાં વધુ વિસ્તારોનો સમાવેશ થતા મોટા ફેરફારો સાથે તમામ નવી ઇમારતો–બાંધકામ માટે ૨૦૨૫ના કોડનું પાલન ભારતીય માનક બ્યુરો (બીઆઇએસ) દ્રારા ફરજિયાત કરાયું હતું. તેનું પાલન કરવા જતા સરકારના વિભાગો દ્રારા મોટાપાયે ચાલતા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના ખર્ચમાં વધારો થાય તેમ હતું. ગુજરાતના સુરત સહિત જે શહેરોમાં મેટ્રો રેલવેની ચાલતી કામગીરીના ખર્ચમાં ૩૦ ટકાથી ૫૦ ટકા સુધીનો વધારો થાય તેવી સંભાવનાને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરીએટ દ્રારા ગ્રાહક બાબતોના વિભાગને ગેઝેટમાં જાહેર કરાયેલી ભૂકપં જોખમની ડિઝાઇન અને ભૂકપં પ્રતિરોધક માળખાની રચના માટેના માપદડં અને આચરણ સંહિતા પરત ખેંચવા સલાહ આપી છે.
ભારત સરકારના હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય દ્રારા કેબિનેટ સચિવને ફેબ્રુઆરી–૨૦૨૬માં ભૂકપં પ્રતિરોધક ડિઝાઇન માટેના માપદંડોમાં તાજેતરમાં જે સુધારા થયા છે તેને લઇને ઉભા થયેલા ટેકનીકલ અને આર્થિક મુદ્દાઓ સંદર્ભે ધ્યાન દોરાયું હતું. જેને ધ્યાનમાં લઇને કેબિનેટ સેક્રેટરીએટ દ્રારા માર્ચ–૨૦૨૬માં સમગ્ર બાબતને લઇને નવેસરથી સૂચનાઓ જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ગ્રાહક બાબતોના વિભાગ દ્રારા ભૂકંપના લગતા ઝોન વર્ગીકરણ અને વિવિધ મહાનગરો–શહેરો માટેના સંબંધિત ઝોન ફેકટરમાં મોટા ફેરફારો રજૂ કરાયા છે તે ચિંતાજનક છે. કારણકે તેના કારણે ચાલુ અને ભવિષ્યના જે ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેકટની ડિઝાઇન અને તેના અમલીકરણ ઉપર મોટી અસર ઉભી કરી શકે છે. તેમાં મેટ્રો રેલ પ્રોજેકટ પણ સામેલ છે. જો નવા બાંધકામ કોડ પ્રમાણે સુધારા કરવામાં આવે તો દેશના વિવિધ શહેરોમાં ચાલી રહેલા અને મંજૂર કરાયેલા મેટ્રો રેલ પ્રોજેકટ ઉપર ૩૦ ટકાથી લઇને ૫૦ સુધીની આર્થિક અસર થઇ શકે છે. એટલું જ નહીં મેટ્રો રેલ કોર્પેારેશનો સાથે જરી પરામર્શ કર્યા વિના જ સુધારા કરવામાં આવ્યા છે.
કેબિનેટ સેક્રેટરીએટ દ્રારા એ બાબતની પણ નોંધ લેવાઇ હતી કે શહેરી મંત્રાલય દ્રારા જે મુદ્દાઓ ઉઠાવાયા છે તેમાં જાહેર નાણાંથી ચાલતા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટની ટેકનીકલ અને આર્થિક બાબતો ઉપર અસર કરી શકે છે. બીજી તરફ આવા પ્રોજેકટ સમયસર પૂર્ણ કરવા પણ સરકાર માટે પ્રાથમિકતા છે. તેથી સુધારેલા બાંધકામ કોડ–૨૦૨૫ની સર્વગ્રાહી અને વ્યાપક સમીક્ષા કરવામાં આવે અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત તમામ વિભાગોના અને તેમાં સંકળાયેલા હોય તેમના હિતને પણ ધ્યાનમાં લેવા જરી છે. તેથી ગ્રાહક બાબતોના વિભાગના સચિવને ભૂકપં ડિઝાઇન અને પ્રતિરોધક માળખાની રચનાના માપદડં માટેની આચરણ સંહિતાને લગતું ૬ નવેમ્બર–૨૦૨૫એ જે ગેઝેટ બહાર પડાયું છે તેને પાછુ ખેંચવા પણ કેબિનેટ સેક્રેટરીએટ દ્રારા સલાહ આપવામાં આવી છે. તે સાથે આઇએસ–૧૮૯૩માં કોઇપણ પ્રકારનો સુધારો કરતા પહેલા ભારત સરકારના ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત વિભાગો સહિત તમામ હિતધારકો સાથે જરી પરામર્શ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
ભારતીય માનક બ્યુરો દ્રારા તાજેતરમાં જાહેર કરાયેલા સિસ્મિક ઝોનિંગ મેપ પછી ભારતમાં ભૂકંપનો ખતરો અગાઉ કરતા વધ્યો હોવાનું સ્પષ્ટ્ર થયું છે. વસતીનો મોટો ભાગ ભૂંકપના જોખમવાળા વિસ્તારમાં રહેતો હોવાથી ભૂકપં સલામતીને લગતો બાંધકામ કોડ–૨૦૨૫ અમલમાં મૂકાયો હતો. જેનો મુખ્ય હેતુ નવી ઇમારતો, હાઇવે–પુલો વિગેરેને વધુ ભૂકપં પ્રતિરોધક બનાવવાનો છે. તેના કારણે ભૂંકપ આવે તો જાનમાલનું નુકસાન ઓછુ થઇ શકે. તેમાં એવી પણ જોગવાઇ હતી કે કુલ વજનના એક ટકાથી વધુ ઇમારતનો ભાગ ભૂકપં દરમિયાન પડી ન જાય તે માટે સુરક્ષિત રીતે બંધાયેલા હોવા જોઇએ. અમદાવાદને ભૂંકપ ઝોન–૩ના મધ્યમ ઝોનમાંથી ઝોન–૪ ઉચ્ચ જોખમમાં મૂકાયું છે