આજના સમયમાં ખેતી સાથે પશુપાલન ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયું છે. દૂધ, માંસ, ઊન, ખાતર અને કાર્યશક્તિ રૂપે પશુઓ ખેડૂતોને અપરિમિત લાભ આપે છે. પરંતુ પશુપાલનમાં આર્થિક સફળતા ત્યારે જ મળે છે જ્યારે પશુને યોગ્ય રહેઠાણ અને વૈજ્ઞાનિક માવજત મળતી રહે.
પશુ રહેઠાણ:-
પશુ રહેઠાણ એવું હોવું જોઈએ કે જ્યાં પશુને વરસાદ, ઠંડી, ઉકળાટ અને પવનથી રક્ષણ મળે. ખૂલ્લી, હવાની અવરજવર ધરાવતી અને પ્રકાશ પૂરતો આવતો શેડ સૌથી વધારે લાભદાયી છે.
પશુ રહેઠાણમાં ધ્યાન આપવાની બાબતો:
શેડ સુકું અને સ્વચ્છ હોવો જોઈએ, જમીન ઢાળવાળી રાખવી જેથી પાણી ભેગું ન થાય,મચ્છર, માખી તથા જંતુ નિયંત્રણ પર ખાસ ધ્યાન રાખવું, ગાય–ભેંસ માટે અલગ અને વાછરડા માટે સુરક્ષિત જગ્યા હોવી જોઈએ, અયોગ્ય રહેઠાણને કારણે ખુર રોગ, ચામડીના રોગ, શ્વસન રોગ અને બેક્ટેરિયલ ચેપ ઝડપથી ફેલાય છે. તેથી રહેઠાણની ગુણવત્તા સીધી રીતે પશુના આરોગ્યનો આધાર બને છે.
પશુ માવજત: પશુ માવજત એટલે માત્ર ખોરાક આપવો નથી, પરંતુ સંપૂર્ણ વૈજ્ઞાનિક મેનેજમેન્ટ છે. જેમાં આહાર, પાણી, આરોગ્ય, સફાઈ, પ્રજનન અને દૈનિક કાળજીનો સમાવેશ થાય છે.
દૈનિક માવજતની મુખ્ય બાબતો:- સ્વચ્છ અને તાજું પાણી હંમેશા ઉપલબ્ધ રાખવું, સંતુલિત લીલો, સૂકો અને દાણા ખોરાક આપવો. નિયમિત શરીરની સફાઈ કરવી જોઈએ , યોગ્ય આરામ અને જગ્યા પૂરી પાડવી. સંતુલિત આહાર આપવાથી દૂધ ઉત્પાદન વધે છે, શરીર રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે અને પશુ લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે.
? રસીકરણ અને રોગ નિયંત્રણ:-
પશુમાં વિવિધ ચેપજન્ય રોગો સમયસર રસીકરણથી ટાળી શકાય છે. ખાસ કરીને FMD, HS, BQ, બ્રુસેલોસિસ જેવા રોગો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડે છે. સરકારી અને વેટરનરી વિભાગ દ્વારા આપવામાં આવતી રસી યોજના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે.
આ બાબતો માત્ર પશુને જ નહીં, પરંતુ આસપાસના માનવી આરોગ્યને પણ સુરક્ષા આપે છે.
ઉપસંહાર
પશુ આપણા ખેતર–ખેડૂત અને અર્થતંત્રની રીડ છે. તેઓને યોગ્ય રહેઠાણ, સ્વચ્છતા અને વૈજ્ઞાનિક માવજત આપવી માત્ર જવાબદારી નથી, પરંતુ ભવિષ્યની આર્થિક પ્રગતિ માટે અનિવાર્ય પગલું છે. જો દરેક પશુપાલક આ બાબતોનું પાલન કરે તો નિશ્ચિતપણે તંદુરસ્ત પશુ, વધુ ઉત્પાદન અને સમૃદ્ધ ખેડૂતવર્ગ દેશના વિકાસમાં મજબૂત યોગદાન આપશે
ડૉ. સોહિલ અબ્બાસ જી. મોમીન , ડૉ.ભાવિનગીરી જી. ગોસ્વામી & ડૉ. મોહમ્મદ શોએબ ખાન