ગઇકાલે દેવદિવાળી એટલે કે દેવઉઠી એકાદશીના શુભ દિવસે દ્વારકા સહિત સમગ્ર હાલારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જગતમંદિરમાં તો ઠાઠમાઠથી બાલ સ્વરૂપે નિકળેલા ભગવાન દ્વારકાધીશના વરઘોડામાં લોકો ઉમટી પડયા હતાં, પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને જગતમંદિરમાં તુલસી વિવાહ યોજાયા હતાં જેમાં કૃષ્ણ ભકતો જોડાયા હતાં, જામનગરમાં પણ અનેક મંદિરોમાં અન્નકુટ દર્શન, મંદિરોને શણગાર સહિતની વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં, મોટાભાગના સ્થળોએ શાલીગ્રામ સાથે તુલસીજીના છોડનો વિવાહ ઉત્સવ યોજાયો હતો અને લગ્ન બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.

દ્વારકામાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, સાહી સવારી નિકળ્યા બાદ વરઘોડામાં બાલ સ્વરૂપે ભગવાન બિરાજયા હતાં, પોલીસ દ્વારા મજબુત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અને વરઘોડો નજીક આવતા પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું, આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને જગતમંદિરે ગયો હતો, મંદિરના પટાંગણમાં શેરડીનો મંડપ શણગારાયો હતો, જેમાં તુલસીજીને ક્ધ્યા સ્વરૂપમાં તેમજ ગોપાલજીને વરરાજાના શણગાર સજાવીને મંડપમાં સોના-ચાંદી, હીરા, માણેકના આભુષણો પહેરાવવામાં આવ્યા હતાં.
ઠાકોરજીના મસ્તક પર સાફો, મોરપીછ અને કમરે વિવિધ શણગાર કરવામાં આવ્યા હતાં, દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળીયા ઠાકોરના દર્શન કરવા મોટી સંખ્યામાં કૃષ્ણભકતો ઉમટી પડયા હતાં, પુરૂષોની સાથે મહીલાઓએ પણ કેસરી સાફા બાંધીને જોડાયા હતાં અને જય જય દ્વારકાધીશનો નાદ લગાવ્યો હતો.
જામનગરમાં એકાદશીના દિવસે મંદિરોમાં તુલસી વિવાહની પરંપરા નિભાવવામાં આવી હતી અને શાલીગ્રામ સાથે તુલસીજીના છોડનો વિવાહ ઉત્સવ યોજવામાં આવ્યો હતો, શહેરના પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં આવેલા ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિર તેમજ ગૌરીશંકર મહાદેવના મંદિરે ઘંટનાદ કરીને મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે પંચેશ્ર્વર ટાવર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠયું હતું, શહેરના કેટલાક મંદિરોમાં તુલસી વિવાહની સાથે અન્નકુટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, શહેરના મુખ્ય મંદિરોમાં તેમજ સ્વામીનારાયણ મંદિરોમાં પણ ભગવાનની વિશિષ્ટ પુજા કરીને અન્નકુટ મહોત્સવ યોજાયો હતો.

આ ઉપરાંત શહેરમાં ઘેર-ઘેર તુલસીના કુંડા પાસે લોકોએ દિપ પ્રગટાવીને શેરડી ધરાવી હતી અને આખુ વર્ષ ઘરમાં સુખ, શાંતિ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. છેલ્લા બે દિવસથી જામનગરની બજારોમાં શેરડીનું ધોમ વેંચાણ થયું હતું, ખાસ કરીને એકાદશીના દિવસે શહેરના મંદિરોમાં ભગવાનના દર્શન કરવા લોકો જતાં હોય છે. જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, કલ્યાણપુર, ભાટીયા, જામજોધપુર, ભાણવડ, રાવલ, ખંભાળીયા, મીઠાપુર, બેટદ્વારકા, ફલ્લા સહિતના અન્ય ગામોમાં પણ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.