પડોશી દેશ નેપાળમાં વાદળફાટવા અને ભારે વરસાદ બાદ આવેલી અચાનક પૂરની હોનારતે ભારે વિનાશ સર્જ્યો છે. પૂર અને ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 384 થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. આ કુદરતી આપત્તિમાં નેપાળના નુવાકોટથી ચીન સરહદને જોડતો અત્યંત મહત્વપૂર્ણ વેપારી માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં અનેક કોંક્રીટના પુલ પણ તણાઈ ગયા છે, જેના કારણે ચીન સાથેનો જમીન સંપર્ક તૂટી ગયો છે અને વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
સડક વિભાગના જણાવ્યા અનુસાર, ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક પૂરે નુવાકોટના બેત્રાવતીને રસુવાના રસુવાગઢી બોર્ડર ક્રોસિંગ સાથે જોડતા 42 કિલોમીટર લાંબા રસ્તાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે. સડક વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શુભરાજ નેઉપાને જણાવ્યું હતું કે, પૂરના પાણીએ અનેક જગ્યાએ રસ્તાના મોટા ટુકડાઓ વહાવી દીધા છે અને નદી પર બનેલા અનેક મજબૂત પુલ જમીનદોસ્ત થઈ ગયા છે. તંત્ર દ્વારા હાલમાં પૂરથી થયેલા કુલ નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.
તંત્રના અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે બેત્રાવતીથી રસુવાગઢી બોર્ડર સુધીનો આખો 42 કિલોમીટરનો હાઇવે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ ઉપરાંત સ્યાફ્રુબેસીથી સરહદ તરફ આગળના 16 કિલોમીટરના વિસ્તારમાં થયેલા નુકસાન અંગેની સચોટ માહિતી મેળવવામાં આવી રહી છે. ભોટેકોશી નદીના કાંઠે આવેલો આ હાઇવે ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ છે. ગયા વર્ષે પણ પૂરના કારણે આ માર્ગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ સિવાય નેપાળ-ચીન સરહદી વિસ્તારમાંથી વહેતી લ્હેંડે નદીમાં આવેલા પૂરે પણ 'મિતરી પુલ' ને નષ્ટ કરી દીધો છે.
અચાનક આવેલા આ પૂરના કારણે નેપાળ અને ચીન વચ્ચેનો માલસામાન અને વેપારી વાહનોનો વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ગુમ થયેલા 384 થી વધુ લોકો માટે વ્યાપક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવી પણ મુશ્કેલ બની રહી છે. રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતાં આ મહત્વપૂર્ણ વેપારી માર્ગને ફરીથી કાર્યરત કરવામાં તંત્રને લાંબો સમય લાગી શકે છે.