રાજકોટની બિલ્ડર લોબી માટે કહેવાય નહીં ને સહેવાય ય નહીં તેમજ ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવો ઘાટ ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાના હુકમથી સર્જાયો છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફ્લાવર બેડનો મામલો સામે આવ્યો હતો ત્યારથી લઇને હાલ સુધી દોઢ વર્ષના અસહ્ય વિલંબ બાદ મહાપાલિકાની ચૂંટણી નજીક છે તેવા સમયે આ ગૂંચ ઉકેલાઇ તો છે પરંતુ સાત શરતોને આધિન તેમજ આકરો દંડ વસૂલીને ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાના હુકમથી બિલ્ડર લોબીની પરેશાની વધી છે. વેંચેલી પ્રોપર્ટી બદલ ભરવાપાત્ર થનારી રકમ હવે ખરીદનાર પાસેથી વસુલી શકાય તેમ ન હોય બિલ્ડરના નફામાં ગાબડું પડ્યું છે અને આર્થિક નુકસાની સહન કરવાનો સમય આવ્યો છે. ફ્લાવર બેડની ઉકેલાયેલી ગૂંચએ હવે અનેક નવી વ્યવસાયિક ગૂંચવણની હારમાળા સર્જી છે. અલબત્ત આ નિર્ણયથી થનારી આવકથી મહાપાલિકા અને રૂડાની તિજોરી છલકાશે તે નિશ્ચિત છે.
વિશેષમાં ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા અંગે શહેરી વિકાસ વિભાગએ કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, રાજકોટ એન્જીનિયર્સ એસોસિએશન વિગેરે દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સહિતના રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં આવતા બિલ્ડીંગ પ્રોજેકટ્સમાં ફ્લાવર બેડ, બાલ્કની વિગેરે પ્રકારના આર્કિટેક્ચરલ પ્રોજેક્શન્સ બાબતેના પ્રશ્નોના નિરાકરણ બાબતે કરવામાં આવેલ રજુઆતો અન્વયે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી જેના અનુસંધાને પુખ્ત વિચારણાને અંતે જાહેર હિતમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૨૨ હેઠળ હુકમથી નિર્ધારિત કરાયેલી રકમ વસુલી રેગ્યુલરાઇઝ કરવામાં આવશે.
પરીપત્રિત હુકમમાં એમ પણ ઉમેર્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની હદ વિસ્તારમાં તા.૧.૧.૨૦૨૪ પહેલાં રહેણાંક, વાણીજય તેમજ મીક્ષ પ્રકારના હેતુ માટે બાંધકામની વિકાસ પરવાનગી મેળવેલ હોય તેમજ રેરામાં પ્રોજેકટ રજિસ્ટર્ડ તથા સ્થળે બાંધકામ શરુ કરવામાં આવેલ હોય તેવા પ્રકરણોએ મહત્તમ ૦.૬૦ મીટર સુધીની પહોળાઇના પ્રોજેકશનના કરેલ બાંધકામને વપરાશી વિસ્તાર (હેબિટેબલ એરીયા) સાથે ભેળવી દેવામાં આવેલ હોય તે ક્ષેત્રફળને એફ.એસ.આઇ.માં ગણી રસ્તા મુજબ મળવાપાત્ર મહત્તમ ઉંચાઈની મર્યાદામાં સાત શરતોને આધિન બાંધકામની રિવાઇઝ્ડ વિકાસ પરવાનગી/બાંધકામની વપરાશ પરવાનગી આપવાની રહેશે.
ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાની આ છે ૭ શરતો
૧. તા.૧.૧.૨૦૨૪ પહેલાં રહેણાંક, વાણીજય તેમજ મિક્સ પ્રકારના હેતુ માટે બાંધકામની વિકાસ પરવાનગી મેળવવામાં આવેલ હોય તેવા પ્રોજેકટસને જ આ જોગવાઇ લાગુ પડશે.
૨.રેરામાં રજિસ્ટર્ડ થયેલ પ્રોજેકટ તેમજ સ્થળે બાંધકામ શરુ કરવામાં આવેલ હોય તેવા પ્રોજેકટસને જ આ જોગવાઈ લાગુ પડશે.
૩. જે તે પ્રોજેકટમાં જો આવા વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફ.એસ.આઇ. ની મર્યાદામાં હોય તો સદર વધારાના બાંધકામને પેઇડ એફએસઆઇ તરીકે ગણી ભરવાપાત્ર રકમના બે ગણા રકમ વસુલ કરવાની રહેશે.
૪. જે તે પ્રોજેકટમાં જો આવા વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફ.એસ.આઇ. કરતા પણ વઘારે થતુ હોય તો સદર વધારાના બાંધકામને ખુલ્લી જમીનની જંત્રીના ૧૦૦ ટકા રકમ વસૂલ કરવાની રહેશે.
૫. ડેવલપર તથા આર્કિટેક્ટ દ્વારા ભવિષ્યમાં સીજીડીસીઆર-૨૦૧૭ની જોગવાઈઓથી વિપરીત કામગીરી કરવામાં આવશે નહીં તે અંગેની બાંહેધરી સમુચિત સત્તામંડળ દ્વારા તેઓ પાસેથી મેળવી લેવાની રહેશે.
૬. અધિનિયમ-૧૯૭૬ તથા સીજીડીસીઆર- ૨૦૧૭ની અન્ય તમામ જોગવાઇઓ લાગુ પાડવાની રહેશે.
૭. આ હુકમને કોઇ પણ સંજોગોમાં પૂર્વ દ્રષ્ટાંત ગણવાનો રહેશે નહીં.