ઠંડીના પ્રમાણમાં દિવસો દિવસ ઘટાડો થતો જાય છે. સવારે ભેજવાળા વાતાવરણના કારણે થોડો સમય માટે ગરમીમાં રાહત મળે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતા ની સાથે જ તાપમાનનો પારો ઉચકાય છે. શુક્રવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન સુરતમાં 33.6 અને સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે 33.3 ડિગ્રી નોધાયું હતું. અમરેલી પોરબંદર અને દમણમાં પણ મહત્તમ તાપમાન નો પારો 32 થી 33 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો.
જોકે હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી વાવાઝોડાની અને સાયકલોની સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે ઠંડીને બ્રેક લાગી ગઈ છે. આવતીકાલ સાંજ સુધીમાં વાતાવરણ સ્વચ્છ થઈ જશે અને ત્યાર પછી ફરી ઠંડીનો દોર શરૂ થશે. મંગળવારથી લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને જો વાતાવરણમાં અન્ય કોઈ વિક્ષોભ નહીં આવે તો ઠંડીનું જોર વધતું રહેશે. રાજસ્થાન પર અત્યારે અત્યંત પ્રભાવશાળી કહી શકાય તેવું અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છે અને તેની અસરના ભાગરૂપે રાજસ્થાનમાં કોલ્ડવેવની ચેતવણી આપવામાં આવી છે. પંજાબમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન જોવા મળે છે અને તેના કારણે પંજાબ દિલ્હી હરિયાણામાં પણ ઠંડીના પ્રમાણમાં વધારા માટે ચેતવણી આપવામાં આવી છે.
શિયાળાની સિઝનમાં ઠંડી જાણે સમ ખાવા પૂરતી હોય તેમ આજે રાજકોટમાં 18.6 દ્વારકામાં 20.2 ડીસામાં 20.8 ભુજમાં ૧૬.૬ ભાવનગરમાં 20.6 વડોદરામાં 18.6 અમરેલીમાં 19.4 અમદાવાદમાં 20.4 ગાંધીનગરમાં 19.6 કંડલામાં 19.5 નલિયામાં 15 ઓખામાં 22.8 પોરબંદરમાં 21 સુરતમાં 21.8 અને વેરાવળમાં 22.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ 75 થી 80% આસપાસ ભેજ નોંધાયો છે. રાજકોટમાં આજે સવારે ભેજનું પ્રમાણ 91% હતું અને તેના કારણે જાકળ પણ જોવા મળી હતી.