BREAKING NEWS

હી-મેન ધર્મેન્દ્રનો રાજકોટ સાથે યાદગાર નાતો; રંગીલા શહેરમાં કર્યું'તું ‘અપને’નું શુટિંગ , ફિલ્મ શુટિંગ જોવાના ડુપ્લિકેટ પાસ બન્યા'તા

  • November 24, 2025 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના હિમેન તરીકે ખ્યાતનામ અને ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને દાયકાઓ સુધી દર્શકોના દિલમાં રાજ કરનારા અદભુત અભિનેતા ધર્મેન્દ્રનું આજે તા.૨૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ તેમના મુંબઇ સ્થિત નિવાસ સ્થાને ૮૯ વર્ષની વયે નિધન થતા તેમના લાખો ચાહકોએ આંચકો અનુભવ્યો છે. બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રનો રંગીલા રાજકોટ શહેર સાથે યાદગાર નાતો છે. આજથી ૧૯ વર્ષ પૂર્વે ૨૦૦૬માં ધર્મેન્દ્ર તેમની સ્પોર્ટ્સ ડ્રામા એવી હિન્દી ફિલ્મ અપનેના શૂટિંગ માટે સન્ની અને બોબી સહિત સાથે રાજકોટ આવ્યા હતા અને તત્કાલિન સમયે નવનિર્મિત રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં એક સપ્તાહ સુધી ફિલ્મ શુટિંગ કર્યું હતું.


ઓડિયન્સ તરીકે બેસવા માટે રાજકોટવાસીઓ પડાપડી કરતા હતા

બોલિવૂડની હિટ ફિલ્મોમાં સ્થાન મેળવનાર હિન્દી ફિલ્મ અપનેમાં ધર્મેન્દ્રનો રોલ પૂર્વ ઓલિમ્પિયન બલદેવ ચૌધરી તરીકે હતો, જે ફાઇનલ મેચમાં પરાજિત થયા હોય છે અને વર્ષો બાદ તેના પુત્ર સન્ની દેઓલ કે જેમનું ફિલ્મમાં નામ અંગદ હોય છે તેને બોક્સર બનાવવા ઇચ્છતા હોય છે પરંતુ અંગદને બિઝનેસમાં જ રસ હોય ત્યારબાદ તેના નાના પુત્ર બોબી દેઓલ કે જેનું ફિલ્મી નામ કરન હોય છે તેને ટુર્નામેન્ટમાં સ્પર્ધક તરીકે બોક્સિંગ રિંગમાં ઉતારે છે અને તે ચેમ્પિયન બને છે તેવી આ ફિલ્મની સ્ટોરી હતી. આ ફિલ્મના બોક્સિંગ મેચના બોબી દેઓલના ફાઇટ સીનનું શૂટિંગ રેસકોર્સ સ્થિત રાજકોટ મહાપાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં થયું હતું. આ વેળાએ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની જનતા ધર્મેન્દ્રની એક ઝલક નિહાળવા રેસકોર્સમાં ઉમટતી હતી. ફિલ્મ શુટિંગ દરમિયાન બોક્સિંગ મેચ ચાલતો હોય ત્યારે ઓડિયન્સની જરૂર રહેતી હતી ત્યારે ઓડિયન્સ તરીકે બેસવા માટે રાજકોટવાસીઓ પડાપડી કરતા હતા.


મહાપાલિકાએ શૂટિંગ જોવા જવા માટે નિઃશુલ્ક પાસ બનાવ્યા હતા

ફિલ્મ શુટિંગ માટે રેસકોર્સ રોડ ઉપર તેમજ સંકુલમાં ભારે ટ્રાફિક થવા લાગતા અંતે રાજકોટ મહાપાલિકાએ શૂટિંગ જોવા જવા માટે નિઃશુલ્ક પાસ બનાવ્યા હતા અને જેની પાસે પાસ હોય તેને જ એન્ટ્રી મળે તેવી વ્યવસ્થા કરી હતી. તત્કાલિન સમયે ફેસબુક, વ્હોટ્સ એપ, થ્રેડ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયાનો જમાનો ન હતો છતાં હજારો ચાહકો ધર્મેન્દ્ર સાથે ફોટો લેવા પડાપડી કરતા હતા અને વિનમ્ર સ્વભાવના ધર્મેન્દ્ર અને બોબી દેઓલ પણ તેમના ચાહકોનો શક્ય તેટલો આદર કરતા અને શૂટિંગમાં બ્રેક દરમિયાન ચાહકો સાથે ફોટો શૂટ કરી તેમને ખુશ કરતા અને કહેતા આપ હૈ તો હમ હૈ..મતલબ કે દર્શકો છે તો અમે છીએ.


હિન્દી ફિલ્મ અપનેનું ૨૦૦૬માં રાજકોટમાં શૂટિંગ થયું

હિન્દી ફિલ્મ અપનેનું ૨૦૦૬માં રાજકોટમાં શૂટિંગ થયું અને ૨૯ જૂન ૨૦૦૭માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે રાજકોટના થિયેટર્સ અનેક દિવસો સુધી હાઉસફુલ રહ્યા હતા. ફિલ્મ હિટ રહી હતી અને રાજકોટના ઇન્ડોર સ્ટેડિયમમાં શૂટિંગ કર્યું હતું તે દ્રશ્યો ઇન્ટરવલ પછીના હાફમાં ક્લાઇમેક્સમાં રજૂ કરાયા હતા. અલબત્ત ફિલ્મમાં દર્શાવેલા બોક્સિંગના ફાઇનલ મેચનું શૂટિંગ બેંગકોકમાં કરાયું હતું.


આ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા હતા


અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર, સન્ની અને બોબી દેઓલ તેમ ત્રણે એ એક સાથે અભિનય કર્યો હોય તેવી આ એક માત્ર હિન્દી ફિલ્મ છે. ફિલ્મ ભારતમાં એવરેજ હિટ અને ઓવરસીઝમાં સુપરહિટ રહી હતી. ફિલ્મ અપનેની સ્ટાર કાસ્ટમાં શિલ્પા શેટ્ટી, કેટરિના કૈફ, કિરણ ખૈર વિગેરે હતા. આ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા હતા જેઓ પણ રાજકોટ આવ્યા હતા. આ ફિલ્મનું ટાઇટલ સોંગ અપને તો અપને હોતે હૈ સુપર હિટ નીવડ્યું હતું.


ફિલ્મ શુટિંગ જોવાના ડુપ્લીકેટ પાસ બન્યા'તા

રાજકોટ મહાપાલિકાએ રેસકોર્સ સંકુલના ઇન્ડોર સ્ટેડિયમમાં હિન્દી ફિલ્મ અપનેનું શૂટિંગ જોવા માટે ઉમટતા ચાહકોની ભીડને નિયંત્રિત કરવા એન્ટ્રી પાસ બનાવ્યા હતા જે પાસ ફ્ક્ત કોર્પોરેટરો તેમજ મહાપાલિકાના અધિકારીઓ પાસેથી જ મળતા હતા અને એક સપ્તાહ સુધી દરરોજ મર્યાદિત માત્રામાં ઇસ્યૂ કરાતા હતા. દરમિયાન અમુક ચાહકોએ આ પાસ મેળવ્યા બાદ ડુપ્લીકેટ પાસ બનાવ્યા હતા જેના પગલે ભારે હોબાળો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application