BREAKING NEWS

બિહારમાં રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીઓનો પથ્થરમારો, પોલીસે હવામાં ફાયરિંગ સાથે કર્યો લાઠીચાર્જ, નાસભાગ મચી ગઈ

  • June 14, 2026 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારની રાજધાની પટનાના પાટલીપુત્ર રેલ્વે સ્ટેશન પર આજે દારૂબંધી વિભાગની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં આ પરીક્ષા યોજાવાની હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્ટેશન પર એકઠા થયા હતા. પરંતુ અપૂરતી ટ્રેન વ્યવસ્થાનો આક્ષેપ કરીને આશરે ૨૦૦ થી ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ રેલ્વે ટ્રેક પર બેસી ગયા હતા અને ટ્રેનો અટકાવી દીધી હતી.


વિદ્યાર્થીઓ પોતાના માટે ખાસ (સ્પેશિયલ) ટ્રેનની માંગણી કરી રહ્યા હતા. રેલ્વે વહીવટીતંત્રે તાત્કાલિક ચર્ચા કરીને બપોરે ૨:૩૦ વાગ્યે ખાસ ટ્રેનની વ્યવસ્થા પણ કરી આપી હતી. આમ છતાં, વિરોધ કરી રહેલા લોકો ટ્રેક પરથી હટ્યા નહોતા અને હિંસક વિરોધ ચાલુ રાખ્યો હતો. ભીડમાં સામેલ કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેનોમાં તોડફોડ કરી અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) સહિત કેટલાક અધિકારીઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી.


પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે આખરે કડક વલણ અપનાવ્યું હતું. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને હવામાં ચેતવણીરૂપ ગોળીબાર (હવાઈ ફાયરિંગ) પણ કર્યો હતો.


પટનાના ડીએમ ડૉ. થિયાગરાજને જણાવ્યું કે, ઉમેદવારો માટે બે ખાસ ટ્રેનો પહેલાથી જ હાજર હોવા છતાં કેટલાક તત્વો હંગામો કરી રહ્યા હતા અને પરીક્ષા આપવા માગતા અન્ય વિદ્યાર્થીઓને પણ રોકી રહ્યા હતા. તેથી પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. હાલમાં સ્ટેશન પર ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે, પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય છે અને રેલ સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે.


મારી દુકાનમાં તોડફોડ કરી, વિદ્યાર્થીઓ વધુ હતા

ઘટના સમયે સ્થળ પર હાજર સંજય કુમાર શર્માએ જણાવ્યું કે શરૂઆતમાં લોકોએ ટ્રેનો રોકી દીધી હતી. પ્રદર્શનકારીઓને હટાવવા માટે વહીવટી તંત્ર પહોંચ્યું, પરંતુ ભીડ ટસની મસ ન થઈ. આ દરમિયાન, ભારે હોબાળો થયો અને હિંસા ફાટી નીકળી.

તમે મારી દુકાનની બરાબર સામે તેનું પરિણામ જોઈ શકો છો. આખી દુકાનમાં તોડફોડ કરવામાં આવી. અંદર મોટા-મોટા પથ્થરો ફેંકવામાં આવ્યા. હું માંડ-માંડ મારો જીવ બચાવીને ભાગ્યો, નહીં તો મારી સાથે શું થાત.


500 સેન્ટરો પર પરીક્ષા યોજાશે

પરીક્ષા માટે 500 સેન્ટરો બનાવવામાં આવ્યા છે. 4,128 પદો માટે 16 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે. આ પરીક્ષા 17 જૂન સુધી ચાલશે.

ભરતી પ્રક્રિયા હેઠળ કક્ષપાલના 2,417 પદ, દારૂબંધી સિપાહીના 1,603 પદ અને ચલંત દસ્તા સિપાહીના 108 પદો પર નિમણૂક કરવામાં આવશે.

પરીક્ષા 2 શિફ્ટમાં યોજાશે. પ્રથમ શિફ્ટ સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અને બીજી બપોરના 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. પ્રથમ પાળીના ઉમેદવારોએ સવારે 8 વાગ્યા સુધી અને બીજી પાળીના ઉમેદવારોએ બપોરના 1 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવો પડશે. નિર્ધારિત સમય પછી આવતા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

પરીક્ષામાં સૌથી મોટો ફેરફાર એ છે કે ઉમેદવારોને કેન્દ્રો પર પેન લઈ જવાની પણ મંજૂરી નથી. તમામ ઉમેદવારોને પરીક્ષા હોલમાં જ પેન આપવામાં આવશે. આ ઉપરાંત, જે અધિકારીઓ પરીક્ષામાં જવાબદારી નિભાવી રહ્યા છે, તેઓ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાથી જ મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application