BREAKING NEWS

ગુજરાતમાં પાઠ્યપુસ્તકોની અછત, જાણો રાજકોટમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ શું કહ્યું?

  • June 14, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના સ્મરણાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્વ. વિજયભાઈ રૂપાણીને ભાવભીની અંજલિ આપતાં જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈએ પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ અને જનતાની સેવા માટે અર્પિત કરી દીધું હતું, જેના કારણે તેઓ હંમેશાં લોકોના દિલ પર રાજ કરતા હતા. તેમની આ જ જનહિતની ભાવનાને કારણે તેઓ એક 'સંવેદનશીલ મુખ્યમંત્રી' તરીકે ઓળખાયા. 


મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વિજયભાઈ જીવન કેટલું લાંબું જીવ્યા તેના કરતાં કેવું ભવ્ય અને પરોપકારી જીવ્યા તે મહત્વનું છે, અને તેમની આ સ્મૃતિઓ લોકોના હૃદયમાં હંમેશાં અમર રહે તેવા ઉદ્દેશ્ય સાથે જ ' વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન'ની સ્થાપના કરવામાં આવી છે, જે યુવાનો, મહિલાઓ, ગરીબો અને વરિષ્ઠ નાગરિકોના ઉત્થાન માટે સતત પ્રશંસનીય કાર્યો કરી રહ્યું છે.


ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ ધોરણ 11ના પાઠ્યપુસ્તકોની અછત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ગંભીર મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ આજે રાજકોટ ખાતેથી મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે પાઠ્યપુસ્તકોની અછત હોવાની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે અને જણાવ્યું છે કે રાજ્યમાં પુસ્તકોની કોઈ તંગી નથી.


શિક્ષણ મંત્રીએ વધુમાં વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળી રહે તે માટે આગોતરું આયોજન અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ખાતરી આપી હતી કે પ્રાથમિક શાળાઓમાં મોટાભાગના પુસ્તકો પહોંચી ગયા છે અને હવે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.


હાલમાં શાળાઓમાં પાઠ્યપુસ્તક વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, કેટલીક શાળાઓમાં વિતરણ પ્રક્રિયા ચાલુ હોવાને કારણે કદાચ વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે પુસ્તકોની અછત છે, પરંતુ હકીકતમાં મંડળ પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કોઈ પણ વિદ્યાર્થી પુસ્તક વગર રહેશે નહીં.


અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી ધોરણ 11ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના કેટલાક વિષયોના પુસ્તકો બજારમાં કે શાળાઓમાં ઉપલબ્ધ ન હોવાની બૂમ ઉઠી હતી. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ મંત્રીએ સ્વયં મીડિયા સમક્ષ આવીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે શાળાઓને પણ આદેશ આપ્યા છે કે પુસ્તક વિતરણની કામગીરીમાં ઝડપ લાવવી જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે.

આમ, શિક્ષણ મંત્રીના આ હકારાત્મક નિવેદન બાદ હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આગામી થોડા જ દિવસોમાં ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓના હાથમાં પાઠ્યપુસ્તકો પહોંચી જશે અને અછત અંગેની અફવાઓ પર વિરામ મુકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application