BREAKING NEWS

સુરેન્દ્રનગર-મોરબી જિલ્લામાં મેઘતાંડવ: ધ્રાંગધ્રામાં સૌથી વધુ સાડા છ ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 720 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ

  • August 01, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં મોરબી તાલુકામાં ૧૩૪ મીમી, હળવદમાં ૧૨૫ મીમી, ટંકારામાં ૧૦૮ મીમી અને માળિયામાં ૧૦૭ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરના લખતરમાં ૧૧૪ મીમી તથા નર્મદા જિલ્લાના તિલકવાડામાં ૧૦૪ મીમી વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ ૨૧૩ તાલુકાઓમાં વરસાદી ઝાપટાંથી લઈને મુસળધાર વરસાદ નોંધાતાં નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે.  

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, પાટણ, મહીસાગર, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વાતાવરણની ગંભીરતાને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વાલીઓ તથા વિદ્યાર્થીઓને જરૂર વગર બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.​​​​​​​


રાજ્યના 720 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ

માર્ગ અને મકાન વિભાગ હેઠળ બંધ થયેલા 885 રસ્તામાંથી 195 ચાલુ કરવામાં આવ્યા છે અને અત્યારની સ્થિતિએ પંચાયત માર્ગો, સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે મળીને કુલ 720 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. જીએસઆરટીસી એસ.ટી. બસ સેવાઓ હેઠળ વરસાદને કારણે બંધ થયેલા રૂટોમાંથી 857 ટ્રીપ ચાલુ થવાની બાકી છે, જેનાથી નિગમને અંદાજે રૂ.14.55 લાખથી વધુની આવકનું નુકસાન થયું છે. વીજ અને માર્ગ વ્યવહારમાં થયેલા નુકસાન અંગે, જીયુવીએનએલ દ્વારા 4,437 પ્રભાવિત ગામડામાંથી 4,342 ગામડામાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે અને 95 ગામડાઓમાં કામગીરી પેન્ડિંગ છે. 


સુરેન્દ્રનગરના નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા

સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં 22,666 ક્યુસેક પાણીની નવી આવક થતાં ડેમના 10 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેમાંથી હાલ 20,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત તેમજ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. વાંસલ ડેમ તેની પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારના ચુડા અને ગોખરવાળા ગામના લોકોને નદીના પટથી દૂર રહેવા અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા તાકીદ કરાઈ છે. 


લખતરના ચારથી વધુ ગામો સંપર્કવિહોણા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના લીલાપુર ગામ નજીક આવેલી ઉમઈ નદીનો પાળો તૂટતાં તેના પૂરના પાણી લીલાપુર ગામના ભરવાડ વાસમાં ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોની ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં ભારે નુકસાન થયું છે. બીજી તરફ, ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં લીલાપુર ગામ સંપર્કવિહોણું બન્યું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતાં આગળ આવેલા કારેલા, ઈંગરોળી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.


બોટાદનો ખાંભડા ડેમ છલકાયો, નવ ગામો એલર્ટ

બોટાદ જિલ્લાના ખાંભડા ડેમમાં પાણીની વિપુલ આવક થતાં એક દરવાજો 45 સેમી ખોલીને 1730 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતાં ખાંભડા, બેલા, કુંડલ અને ટીંબલા સહિત નીચાણવાળા 9 ગામોને સાવચેત રહેવા એલર્ટ કરાયા છે. તંત્ર દ્વારા નદીના પટ, કોઝવે અને નીચાણવાળા પુલ તરફ ન જવા કડક સૂચના આપવામાં આવી છે તેમજ નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે.


રાજકોટ સહિત છ જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, કચ્છ, મોરબી, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


અમદાવાદમાં ચાર ઈંચથી વધુ વરસાદ

અમદાવાદમાં ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં ૩.૦૧ ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલરૂમ દ્વારા આજે સવારના ૧૦ વાગ્યા સુધી જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ સૌથી વધુ વરસાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩.૪૯ ઈંચ નોંધાયો છે, જ્યારે વિસ્તારોની વાત કરીએ તો થલતેજમાં સૌથી વધુ ૪.૦૯ ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના નરોડા, એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ, મોટેરા, ચાંદખેડા, જગતપુર, ચેનપુર, એસપી રીંગ રોડ સહિતના વિસ્તારો સહિત આખા અમદાવાદમાં વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News