ગુજરાતમાં વેપાર-ઉદ્યોગને વધુ વેગ આપવા અને 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ની દિશામાં રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા રાજ્યના તમામ નાના-મોટા ઉદ્યોગોને રાહત આપતાં 'કન્સોલિડેટેડ કન્સેન્ટ એન્ડ ઓથોરાઈઝેશન' (સીસીએ)ના રિન્યુઅલની જૂની અને જટિલ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવાનો મહત્વપૂર્ણ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.
જીપીસીબી દ્વારા જૂની રિન્યુઅલ પ્રક્રિયાના સ્થાને હવે અત્યંત સરળ એવી નવી 'સીસીએ એક્સ્ટેન્શન ફી સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે. આ નવા નિર્ણયથી રાજ્યના હજારો ઉદ્યોગકારોને સરકારી દફતરોની લાલફીતાશાહી અને દસ્તાવેજોના લાંબા કાગળકામમાંથી મોટી મુક્તિ મળશે.
નવા નિયમો અનુસાર, જે ઉદ્યોગો પાસે હાલમાં માન્ય સીસીએ છે, તેમણે હવે રિન્યુઅલ મેળવવા માટે કોઈ અલગથી કે નવી લાંબી અરજી કરવાની જરૂર રહેશે નહીં. ઉદ્યોગકારોએ માત્ર બોર્ડના 'એક્સજીએન પોર્ટલ' પર જઈને ઓનલાઈન માધ્યમથી નિયત થયેલી એક્સ્ટેન્શન ફી ભરવાની રહેશે. ફી સફળતાપૂર્વક જમા થયા બાદ જીપીસીબી દ્વારા ઓનલાઈન 'એક્સ્ટેન્શન ફી પેમેન્ટ એક્નોલેજમેન્ટ લેટર' ઇશ્યૂ કરવામાં આવશે, જેમાં હવે પછીની ફી ક્યારે ભરવાની રહેશે તેની સ્પષ્ટ તારીખ પણ દર્શાવેલી હશે.
આ સુવિધા માત્ર રિન્યુઅલ પ્રક્રિયા માટે છે. જો કોઈ ઉદ્યોગે પોતાના એકમમાં ક્ષમતા વધારો કે અન્ય કોઈ ટેકનિકલ સુધારો કરવો હશે, તો તેમણે હાલની સીટીઈ/સીસીએ એમેન્ડમેન્ટ પ્રક્રિયા મુજબ જ અલગથી અરજી કરવી પડશે. આ ઉપરાંત, બોર્ડે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ફી સરળ બનાવવાનો અર્થ પર્યાવરણીય નિયમોમાં છૂટછાટ નથી. જો કોઈ ઉદ્યોગ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા સમયસર ફી નહીં ભરે, તો સીપીસીબી તેમનો સીસીએ રદ કે સસ્પેન્ડ કરવાનો અધિકાર રાખશે. આ ઓર્ડર સાથે અગાઉના તમામ જૂના પરિપત્રો રદબાતલ કરવામાં આવ્યા છે.