રાજકોટ શહેરમાં પોલીસ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી સમયાંતરે લોક દરબાર યોજી સંતોષ માની લેતી હોય છે પરંતુ પેધી ગયેલા વ્યાજખોરોને લેશ માત્ર ફરક પડતો ન હોય તેવું નજરે પડી રહ્યું છે. વ્યાજખોરોના પાપે અનેક વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે આવો વધુ એક હિસ્સો જેમાં કોઠારીયા રોડ પર રહેતા અને હુડકો ચોકડી નજીક હીરાનું કારખાનું ધરાવતા કારખાનેદારે વ્યાજખોરોના ત્રાસ અને આર્થિક પીસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર જાગી છે.
મૃતકને સંતાનમાં એક દીકરો અને દીકરી
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ શાનદાર રેસીડેન્સી ત્રણમાં રહેતા રાજેશ બાબુભાઈ મારકણા (ઉંમર વર્ષ 45) વાળાએ ગોવર્ધન ચોક પાનના ગલ્લા નજીક કોઈ કારણ ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ ચોકી ફરજ પરના તબીબે હોસ્પિટલ ચોકીને જાણ કરતા ચોકી સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક રાજેશભાઈ બાબુભાઈ મકવાણા બે ભાઈ એક બેન માં વચેટ હોવાનું અને સંતાનમાં એક દીકરો અને દીકરી હોવાનું જાણવા મળ્યું હતું.
કોણ કોણ ત્રાસ આપતું હતું તે અંગે તપાસનો દોર શરૂ
વધુમાં મૃતક રાજેશભાઈ મારકણા હુડકો ચોકી નજીક ડિવાઇન ડાયમંડ નામનું હીરાનું કારખાનું ધરાવતા હોવાનું તેમજ છેલ્લા ઘણા સમયથી આર્થિકભીંસમાં હોય તેમજ ધંધામાં મંદીના કારણે નાણાની જરૂરિયાત હોય વ્યાજખરો પાસેથી વ્યાજે નાણા લીધા હતા. જેઓની પઠાણી ઉઘરાણી અને ત્રાસ તેમજ આર્થિક ભીંસથી કંટાળી પગલું ભર્યું હોવાની પોલીસે આશંકાઓ વ્યક્ત કરી હતી. આ અંગે આજીડેમ પોલીસે મૃતક રાજેશભાઈ ના પરિવાર પાસે વધુ વિગતો મેળવવા માટે અને તેઓએ ક્યાં વ્યાજખોરો પાસેથી કેટલા નાણા લીધા હતા અને કોણ કોણ ત્રાસ આપતું હતું તે અંગે તપાસનો દોર શરૂ કર્યો છે.