જામનગરમાં દરેડ જીઆઇડીસી ફેઝ ૧ અને ૨ ની જેમ શહેરમાં શંકરટેકરી અને પાણાખાણ વિસ્તારમાં કારખાનાના પ્રદૂષિત પાણીનો સીધો ગટરમાં નિકાલ કરવાની ચોંકાવનારો ઘટસ્ફોટ થતા ચકચારની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના પાપે શહેરમાં પ્રદૂષણે માઝા મૂકતા શહેરીજનો ધીમે-ધીમે બિમારીની ગર્તામાં ધકેલાઇ રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, નિયમોની અમલવારીની જવાબદારી જેમના શીરે છે તે અને તગડો પગાર લેતા જીપીસીબીના અધિકારીઓની શંકાસ્પદ કામગીરી અને અક્ષ્મય બેદરકારીથી શહેરીજનો ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.
જામનગરના ઔધોગીક વિસ્તારોમાં પ્રદૂષણે માઝા મૂકી છે. દરેડ જીઆઇડીસી ફેઝ-૧ અને ૨ના વિસ્તારોમાં માર્ગો પર કારાખાનના ગંદા એટલે કે કેમીકલવાળા પીળા અને લીલા પાણીનો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી નિકાલ કરાતા માર્ગો પર તલાવડા ભરાય રહ્યા છે. ઔધોગીક ગંદા અને કેમીકલયુકત પાણીનો વૈજ્ઞાનીક ઢબે નીકાલ કરવાનો નિયમ છે. પરંતુ આ નિયમનો હજુ પણ સરેઆમ ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે.

આ જ રીતે શહેરના પાણાખાણ અને શંકરટેકરી વિસ્તારમાં આવેલા કારખાનાઓમાંથી મોટા ભાગના ઔધોગીક એકમો દ્વારા પ્રદૂષિત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નીકાલ કરવાને બદલે સીધો ગટરમાં નિકાલ કરવામાં આવી રહ્યાની ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે. જેના કારણે આ દૂષિત પાણી જમીનમાં ઉતરતા જમીનના તળ ખરાબ થતાં જન આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. ત્યારે આ નિયમનું પાલન થાય છે કે કેમ તેની જવાબદારી જેમના શીરે છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્થાનીક અધિકારીઓની ભૂંડી ભૂમિકાથી શહેરમાં પ્રદૂષણે માઝા મૂકી છે. આટલું જ નહીંં નિયમનો ઉલાળીયો કરનારાઓને મોકળું મેદાન મળી ગયું છે.
નવાઇની વાત તો એ છે કે, શહેરમાં કાર્યરત ઔધગીક એકમો દ્રારા કેમીકલયુકત પાણીનો ખુલ્લેઆમ નિકાલ કરવામાં આવી રહ્યો છે તે ગંભીર બાબતથી જીપીસીબીના અધિકારીઓ સારી રીતે વાકેફ છે. આમ છતાં આંખ આડા કાન કરી અને અમુક કિસ્સામાં નોટીસની નાટકીય કામગીરી કરી નિયમોના ભંગ પર પડદો પાડી દેવામાં આવે છે. જેના કારણે કારખાનાના પ્રદૂષિત પાણીનો ખુલ્લેઆમ જાહેરમાં અને ગટરમાં નિકાલ થઇ રહ્યો છે. જેના કારણે શહેરમાં રહેણાંક વિસ્તારોમાં જમીનના તળ પ્રદૂષિત થતાં શહેરીજનો ધીમે ધીમે બિમારીની ગર્તામાં ધકેલાઇ રહ્યા છે.
આમ છતાં તગડો પગાર લઇ આ સમસ્યા મુદે કાગળ પર કામગીરી કરી શહેરીજનોને ઉંધા ચશ્મા પહેરાવી ભેદી ચૂપકીદી સેવનાર જીપીસીબીના સ્થાનિક અધિકારીઓની શંકાસ્પદ કામગીરી તથા આવકથી વધુ સંપતિ સહીતના મુદે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા તથ્યોની સાથે મસમોટા કૌંભાડે ખૂલવાની શકયતા પણ ઔધોગીક ક્ષેત્રના તજજ્ઞો અને જાણકારોએ વ્યકત કરી છે.
અરજદારોને કચેરીના ધક્કા ખવડાવતા અધિકારીઓ, સમય અને નાણાંનો વેડફાટ, કામગીરીમાં વિબંધ
શહેરમાં રામેશ્ર્વરનગરમાં કાર્યરત જીપીસીબી કચેરીમાં જે-તે સમયે આગ લાગી હતી. ત્યારબાદ હજુ સુધી આ કચેરીનું રીનોવેશન થયું નથી. આથી અડધા ભાગમાં આ કચેરી કાર્યરત છે. જયારે અન્ય અધિકારીઓ બેડેશ્ર્વર પાસે આવેલી વસાહતમાં કાર્યરત કચેરીમાં બેસે છે. જેના કારણે અધિકારીઓ અરજદારોને આ બંને કચેરીએ ધકકા ખવડાવતા હોવાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે. કારણ કે, અરજદારોને કામગીરી સંબંધે કચેરીએ આવવાનું જણાવામાં આવે છે.

પરંતુ કંઇ કચેરીએ આવવાનું રહેશે તે જણાવામાં આવતું નથી. વળી, એક સમય આપ્યા બાદ અમો મીટીંગમાં છે, અન્ય કામગીરીમાં વ્યસ્ત છે તેવા બહાના બતાવી કચેરીના ધકકા ખવડાવામાં આવી રહ્યાની ફરિયાદો અરજદારોમાં સામાન્ય બની છે. નવાઇની વાત તો એ છે કે, અધિકારીઓની ફરજના સમય દરમ્યાન કચેરીમાં હાજર હોતા નથી તો એવી તો કંઇ કામગીરી છે જયાં હાજરી મહત્વની છે તે પણ તપાસનો વિષય બન્યો છે. આ કારણોસર અરજદારોને ધરમના ધકકા થતા સમય અને નાણાંનો વેડફાટ થતાં અરજદારો રીતસર ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે આ ગંભીર મુદે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
જીપીસીબી કચેરીની નફ્ફટાઇ, તપાસ કરવાને બદલે અરજદારોને લેખિત ફરિયાદો કરવા ફરજ પડાઇ છે.
જામનગરના દરેડ ઔધોગીક વિસ્તાર તથા શંકરટેકરી અને પાણાખાણ વિસ્તારોમાં મોટાભાગના ઔધોગીક એકમો દ્રારા ઝેર ઓકતા કેમીકલયુકત પીળા અને લીલા પાણીનો વૈજ્ઞાનિક ઢબે નીકાલ કરવાને બદલે સીધો ગટરમાં નીકાલ કરવામાં આવી રહ્યો હોય જમીનના તળ દૂષિત થઇ ચૂકયા છે. ત્યારે આ મુદે અમુક જાગૃત નાગરિકો અને કારખાનેદારો દ્વારા જીપીસીબીના સ્થાનિક અધિકારીઓને ટેલીફોન મારફત ફરિયાદો કરવામાં આવતા તપાસ કરવાને બદલે લેખિત ફરિયાદો કરવા જણાવી રીતસર ડાંડાઇ અને નફ્ફટાઇ કરવામાં આવતા આ મુદો પણ ગંભીર તપાસનો વિષય બન્યો છે.