BREAKING NEWS

ખંભાળિયા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું ઉદઘાટન કરતાં રાજ્યમંત્રી

  • December 12, 2025 05:37 PM 



પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રૂ. ૮ કરોડના ખર્ચે સ્થાપિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું ઉદઘાટન કર્યું હતું તેમજ જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તથા કૌશલ્યોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. 


રાજ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ હાઈસ્કુલ આપણા વિસ્તારમાં શિક્ષણના મજબૂત પાયાની નિશાની છે. વડાપ્રધાનના વિકાસ ભી, વિરાસત ભીના સૂત્રનો ઉલ્લેખ કરીને પ્રાચીન સ્કૂલના નિર્માણ, સંચાલન અને હાલના રીસ્ટોરેશન સાથે સંકળાયેલા લોકોને બિરદાવ્યા હતા અને શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અભિયાનની સરાહના કરી હતી.  આ ભવન માત્ર બિલ્ડીંગ નહીં પરંતુ વારસાના પુન: સ્થાપના અને ભવિષ્ય ઘડતર માટેની સરકારની પ્રતિબધ્ધતાનું પ્રતિક છે તેમ જણાવી તેઓએ બાળકોની સંશોધનવૃત્તિને પોષતા અને દેશના ભવિષ્યને આકાર આપતા શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ બાળકોને જીત મળે કે ન મળે પણ આવા વિજ્ઞાન આધારિત આયોજનમાં ભાગ લેવો વધુ મહત્વનું અને આગળ વધારનારું છે તેવો સંદેશ આપ્યો હતો. 



મંત્રીએ પારંપારિક પૂજાવિધિ તેમજ તકતીના અનાવરણ દ્વારા રિસ્ટોર કરાયેલા ભવનનું ઉદઘાટન કર્યું હતું. ઉપરાંત, મંત્રીએ નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કર્યું હતું તેમજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંતર્ગત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટના સ્ટોલની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ’કૌશલ્યોત્સવ’ અંતર્ગત માધ્યામિક શાળાના વ્યવસાયલક્ષી વિષયોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પ્રોજેક્ટના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. 


 ગોપાલદાસ વાલજી જેરાજાણી પરિવારના સભ્ય અને પૂર્વ શિક્ષકનું તેમજ જી.વી.જે. પ્રાચીન ભવન હિતરક્ષક સમિતિના સભ્યોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યકમમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટે આભારદર્શન કર્યું હતું. પ્રિન્સિપાલએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પૂર્વ જજ પ્રદીપ ભટ્ટે પ્રાસંગિક ઉદબોધનમાં સ્કૂલનો ગૌરવપ્રદ ઇતિહાસ તેમજ ખ્યાતિપ્રાપ્ત પૂર્વવિદ્યાર્થીઓની રસપ્રદ વિગતો વર્ણવી હતી.



નોંધનીય છે કે, ઈ.સ. ૧૯૩૦ આસપાસના સમયમાં બનેલ આ હાઈસ્કુલ ખૂબ ખ્યાતિ પામી હતી. સમય સાથે કુદરતી આપત્તિઓને કારણે આ મકાન જર્જરિત થયું હતું. શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આ જી.વી.જે. હાઈસ્કુલના હિસ્ટોરિક બિલ્ડિંગનું ‚ા.૮ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરીને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમથીમ આધારિત આ પ્રદર્શનમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, ગ્રીન એનર્જી, વિકસતી ટેકનોલોજી, મનોરંજક ગાણિતિક મોડેલીંગ, આરોગ્ય અને સ્વચ્છતા, જળ સંરક્ષણ અને વ્યવાસ્થાપન વિષયો પર વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટસ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ, આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધે તે હેતુથી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી,  અગ્રણી સર્વે પી.એસ.જાડેજા, લુણાભા સુમણીયા, રસિક નકુમ સહિત અધિકારીઓ, વિવિધ શિક્ષક સંઘના અગ્રણીઓ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application