BREAKING NEWS

ખંભાળિયા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને ૧૬માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૬ની ઉજવણી કરાઇ

  • January 26, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૬માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ERO, AEROને સન્માનિત કરાયા



ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે નાગરીકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા ફેલાઇ તેવા ઉમદા આશયથી વર્ષ ૨૦૧૧થી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.



આજરોજ કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષતામાં "My India, My Vote” થીમ પર ૧૬માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. 


આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, મતદાનએ આપણા સૌની નૈતિક ફરજ છે. લોકશાહીના સશક્તિકરણ માટે મતદાનએ અગત્યનું પરિબળ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે.



​​​​​​​ મજબૂત લોકશાહીના નિર્માણ માટે સક્ષમ અને સર્વસમાવેશક ચૂંટણી સહભાગિતા મહત્વપૂર્ણ છે તેમજ કોઇપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે. ઉપરાંત દરેક ચૂંટણીમાં તમારા મતાધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.


આ તકે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાએ કહ્યું હતું કે, જીવંત લોકશાહીમાં, ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, નિયમિત અને વિશ્વસનીય હોય તે પૂરતું નથી, પરંતુ લોકોનો વિશ્વાસ જીતનારી અને પ્રજાલક્ષી હોવી જોઈએ. મતદાનનો અધિકાર ત્યારે જ શક્તિના રૂપમાં પરિણમશે જ્યારે તેનો યોગ્ય-સાર્થક ઉપયોગ કરવામાં આવે. ત્યારે દેશના જવાબદાર નાગરિક તરીકે પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.



આ પ્રસંગ ERO, AERO, શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદારયાદી, શ્રેષ્ઠ સેકટર ઓફિસર, શ્રેષ્ઠ બી.એલ.ઓ., શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા ક્લબ, શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળાઓ તથા નવા નોંધાયેલા યુવા મતદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.


    આ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સંદેશ તથા, “હું ભારત છું, ભારત છે મુજમાં” ગીતનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વેએ લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.જે.રાજપુત દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન તથા આભારવિધિ કરવામાં આવી હતી. 


આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક તાલુકાના મામલતદાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કર્મચારીઓ તથા યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News