ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરમિયાન ગુજરાત રાજ્ય તેમજ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને સતર્ક રહેવા અને સલામતી સંબંધિત જરૂરી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. કલેક્ટર ડો.ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા હોવાથી દરેક નાગરિકે સાવચેતી રાખવી જરૂરી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓ મુજબ, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ. જો મુસાફરી અનિવાર્ય હોય તો નીકળતા પહેલાં ટ્રાફિકની સ્થિતિ અને માર્ગ સંબંધિત સૂચનાઓની માહિતી મેળવી લેવી જોઈએ. પાણી ભરાયેલા રસ્તા, અંડરપાસ કે જળમગ્ન વિસ્તારોમાંથી વાહન અથવા પગપાળા પસાર થવાનો પ્રયાસ ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. નદી, નાળા, ગટર તથા અન્ય પાણીના સ્ત્રોતોની નજીક જવાનું ટાળવા તેમજ ભારે વરસાદ દરમિયાન વૃક્ષોની નીચે, વીજ પોલની નજીક અથવા અસ્થિર ઇમારતોમાં આશરો ન લેવા પણ અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને પોતાના ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા, પાક, પશુધન અને ખેતીના સાધનોનું રક્ષણ કરવા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં બંધાયેલા પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે. વહીવટી તંત્રએ દરેક પરિવારને તાત્કાલિક જરૂરિયાતની સામગ્રી તૈયાર રાખવા જણાવ્યું છે. પીવાનું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, વધારાની બેટરી, પાવર બેંક સહિતની સામગ્રી વોટરપ્રૂફ બેગમાં રાખવાની અને મોબાઇલ ફોન સંપૂર્ણ ચાર્જ રાખવાની સલાહ આપવામાં આવી છે. આપત્તિ, જાનહાનિ, રસ્તા બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં નાગરિકો જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ અથવા ૧૦૭૭ (ટોલ-ફ્રી) પર સંપર્ક કરી શકે છે. સાથે જ તંત્રએ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.