પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે, ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
ભારતીય પરંપરાને ઉજાગર કરતી પ્રદર્શની તથા શ્રીમદ ભાગવત ગીતા અને માનવ જીવન વિશે પ્રેરક ઉદ્ધબોધન સહિતના આયોજનો હાથ ધરાશે
કાર્યક્રમના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
જામનગર તા.27 નવેમ્બર, શહેરના ટાઉનહોલ ખાતે તા.૧લી ડિસેમ્બરના રોજ ગીતા જયંતિના પાવન અવસરે જિલ્લા સ્તરીય "ગીતા મહોત્સવ" ની ભવ્ય ઉજવણી કરાશે.
આ જિલ્લા સ્તરીય કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીઓ તંત્ર શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ઇ.જિલ્લા શિક્ષણાધિકારી ડી.ડી.ભેંસદડિયાના અધ્યક્ષ સ્થાને સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના સુચારૂ આયોજન સંદર્ભે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના નિર્દેશો મુજબ જિલ્લા કક્ષાનો આ મહોત્સવ જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ પણ બની રહેશે. ગીતા જ્ઞાન અને ભારતીય જ્ઞાન પરંપરાને ઉજાગર કરતી સંસ્કૃતિ પ્રદર્શનીનું પણ કાર્યક્રમ સ્થળ પર યોજવામાં આવશે.ઉપરાંત શ્રીમદ ભગવત ગીતા અને માનવ જીવન વિશે પ્રેરક ઉદ્ધબોધન પણ યોજાશે.સાથે જ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે, ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
ઉલ્લેખનીય છે કે, શ્રીમદ્ ભગવત ગીતા ગ્રંથને યુનેસ્કો દ્વારા memory of the world register (વિશ્વ સ્મૃતિ નોંધણી યાદી)માં સ્થાન પામ્યો છે. જે ભારતની જ્ઞાન વારસાની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ તેજસ્વી બનાવે છે.