BREAKING NEWS

જામનગરના ગરીબ-મઘ્યમ વર્ગને શું બિલ્ડીંગો પસંદ નથી..? ૧૩૨ આવાસ ખાલી

  • February 07, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ગરીબ અને મઘ્યમ વર્ગને શું સરકારી ઉંચી ઇમારતો પસંદ નથી તે સવાલ ઉઠ્યો છે. કારણ કે, શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનો પ્રથમ તબકકો પૂર્ણ થયો છે. આમ છતાં શહેરમાં ૧૦ સ્થળ પૈકી ચાર સ્થળે બનાવેલી આવાસ યોજનામાં ૧૩૨ ફલેટ ખાલી છે. નવાઇની વાત તો એ છે કે, ખાલી આવાસ મેળવવા લાભાર્થીઓ અરજી કરે તે માટે મહાનગરપાલીકાએ ૮ થી વધુ પ્રયત્ન કર્યા છે જે નિષ્ફળ રહેત અનેક સવાલ ઉઠ્યા છે. હજુ ૧૭૮ આવાસની સોંપણી બાકી છે તો ૪૬ લાભાર્થી દ્રારા નાણાં ભરપાઇ કરવામાં આવ્યા નથી. આથી આગામી સમયમાં બનનારા આવાસની ફલશ્રુતિ સામે પણ પ્રશ્ર્નાર્થ ઉભા થયા છે. 


જામનગર શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનો પ્રથમ તબકકો વર્ષ ૨૦૧૫-૧૬થી શરૂ કરવામાં આવ્યો હતો. આ તબકકો વર્ષ ૨૦૨૨માં પૂર્ણ થવાનો હતો પરંતુ કોરોનાના કારણે સમયમર્યાદામાં વધારો કરવામાં આવતા વર્ષ-૨૦૨૪માં આ તબકકો પૂર્ણ થયો હતો. મુખ્યમંત્રી આવાસ યોજનાના પ્રથમ તબકકામાં શહેરમાં જુદા-જુદા ૧૦ સ્થળે કુલ ૩૩૭૬ આવાસ રૂ.૨૫૧ કરોડના ખર્ચે બનાવામાં આવ્યા છે. જેમાં એક બેડરૂમ હોલ કીચન અને બે બેડરૂમ હોલ કીચન એમ બે પ્રકારના આવાસનો સમાવેશ થાય છે. એક બેડરૂમ હોલ કીચનના આવાસની કીંમત રૂ.૩ લાખ અને બે બેડ‚મ હોલ કીચનના અવાસની કીંમત રૂ.૫.૫૦ લાખ નકકી કરવામાં આવી હતી. 


મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં એફપી-૭૦ હાપામાં ૨૫૬, એફપી-૭૧ હાપામાં ૧૯૨, મયુરનગરમાં ૫૧૨, લાલાવાડીમાં ૨૮૮, ગોલ્ડન સીટીમાં ૨૮૮, ઇવાપાર્કમાં ૩૫૨, એમપી શાહ ઉધોગનગરમાં ૫૭૬, ઘાંચીની ખડકી નજીક ૯૬, બેડી વિસ્તારમાં ૨૭૨ અને શરૂ સેકશન રોડ પર ૫૪૪ આવાસ બનાવામાં આવ્યા છે. નોંધનીય બાબત એ છે કે, મુખ્યમંત્રી આવાસ યોજનાનો પ્રથમ તબકકો ૯ વર્ષ સુધી ચાલ્યો છે. જે અંતર્ગત સમયાંતરે જુદા-જુદા સ્થળે આવાસ બનાવાયા છે. પરંતુ હજુ પણ શહેરમાં મનપાએ ૧૦ સ્થળોએ બનાવેલા કુલ ૩૩૭૬ આવાસ પૈકી ૧૩૨ આવાસ ખાલી પડ્યા છે. જેમાં હાપામાં એફપી-૭૦માં ૪૬, હાપા એફપી-૭૧માં ૩૪, મયુરનગરમાં ૪૭ અને ઇવા પાર્કમાં ૫ આવાસનો સમાવેશ થાય છે. નવાઇની વાત તો એ છે કે, ખાલી પડેલા કુલ ૧૩૨ આવાસ માટે અરજી આવે તે માટે મહાનગરપાલીકાએ ૮ થી વધુ વખત જુદા-જુદા માઘ્યમોમાં જાહેરાત આપી પ્રયત્નો કર્યા છે.


પરંતુ આ તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડયાનો ઘાટ સર્જાયો છે. આટલું જ નહીં ૧૭૮ આવાસોની સોંપણી હજુ લાભાર્થીઓને બાકી છે. જેમાં હાપાના બે વિસ્તારોમાં બનેલા આવાસમાં ૬ અને ૫૦, મયુરનગરમાં ૩૮, લાલવાડીમાં ૪૭, ઇવાપાર્કમાં ૫, એમપી શાહ ઉધોગનગરમાં ૯, ઘાંચી ખડકી નજીક ૫, બેડી વિસ્તારમાં ૪ અને શરૂ સેકશન રોડ પર બનેલા ૨૦ આવાસનો સમાવેશ થાય છે.  જયારે જે લાભાર્થીઓને આવાસની ફાળવણી થઇ છે તે પૈકી ૪૬ આવાસના લાભાર્થીએ ફાળાની રકમ ભરપાઇ કરી નથી. જેમાં હાપામાં ૧૨, મયુરનગરમાં ૪, એમપી શાહ ઉધોગનગરમાં ૯, ઘાંચી ખડકી નજીક ૫, બેડી વિસ્તારમાં ૪ અને શરૂ સેકશન રોડ પર બનેલા ૨૦ આવાસના લાભાર્થીનો સમાવેશ થાય છે. ત્યારે આગામી દીવસોમાં હાપા નજીક મોકાની જગ્યામાં ૧૬૦૦ આવાસ બનાવવાનું આયોજન છે જેનો લાભ લેવા લોકોને મનપા દ્રારા અનુરોધ કરાયો છે. પરંતુ પ્રથમ તબકકામાં પણ ઘણા પ્રાઇમ લોકેશન પર આવાસ બનાવામાં આવ્યા છે ત્યારે તેમાંથી ૧૩૨ આવાસ હજુ ખાલી પડયા છે ત્યારે નવા આવાસને કેવી ફલશ્રુતિ મળશે તે સળગતો સવાલ ઉઠ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News