ઘણીવાર જ્યારે તમે તમારા જરૂરી સરકારી કે અંગત કામ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની બ્રાન્ચમાં પહોંચો છો, ત્યારે તમને સાંભળવા મળે છે કે ‘અત્યારે લંચ ટાઈમ છે, થોડીવાર પછી આવજો.’ આવું વારંવાર થવાને કારણે ગ્રાહકોને એવું લાગવા માંડે છે કે તેઓ બેંકમાં પહોંચે એટલે તરત જ કર્મચારીઓ લંચ કરવા જતા રહે છે. સોશિયલ મીડિયા પર પણ એસબીઆઈના લંચ ટાઈમને લઈને અવારનવાર અનેક પ્રકારના મીમ્સ અને જોક્સ વાયરલ થતા રહે છે.
પરંતુ શું ખરેખર એસબીઆઈમાં કોઈ એવો ચોક્કસ સમય હોય છે જ્યારે આખી બેંક કામ રોકીને જમવા બેસી જાય છે? આવો જાણીએ દેશની સૌથી મોટી સરકારી બેંકમાં લંચ ટાઈમને લઈને સત્તાવાર નિયમો શું છે અને એક જાગૃત ગ્રાહક તરીકે તમારી પાસે કયા અધિકારો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સત્તાવાર નિયમો અનુસાર બેંકમાં કોઈ એવો ફિક્સ લંચ ટાઈમ હોતો નથી કે જેના સત્તાવાર ગાળા દરમિયાન બેંકના શટર પાડી દેવામાં આવે અથવા પબ્લિક ડીલિંગ (ગ્રાહકોનું કામકાજ) સંપૂર્ણપણે રોકી દેવામાં આવે.
શું છે ‘સ્ટ્રેગર્ડ લંચ’ (Staggered Lunch) ની વ્યવસ્થા?
ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસબીઆઈની તમામ શાખાઓમાં વારાફરતી એટલે કે 'સ્ટ્રેગર્ડ લંચ'ની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. બેંકના કર્મચારીઓ સામાન્ય રીતે બપોરે ૧:૦૦ વાગ્યાથી લઈને ૩:૦૦ વાગ્યાની વચ્ચે વારાફરતી લંચ કરવા માટે જાય છે.
નિયમ એવો છે કે જો કાઉન્ટર નંબર-૧ ના કર્મચારી લંચ પર ગયા હોય, તો તેમની જગ્યાએ કાઉન્ટર નંબર-૨ ના કર્મચારી અથવા અન્ય કોઈ સ્ટાફ આવીને તે સીટ સંભાળશે. આ વ્યવસ્થા એટલા માટે છે જેથી બેંકમાં આવેલા ગ્રાહકોને લંચના નામે કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને રાહ જોવી ન પડે.
લંચના નામે કામ રોકવામાં આવે તો ગ્રાહક તરીકે તમારા અધિકારો
જો તમે બપોરના સમયે એસબીઆઈની કોઈ શાખામાં જાઓ અને ત્યાં બધા જ કાઉન્ટર્સ ખાલી જોવા મળે અથવા કર્મચારીઓ લંચનું બહાનું બતાવીને તમારું કામ ન કરે, તો તમે આ બાબતે કડક પગલાં લઈ શકો છો અને તમારી પાસે ફરિયાદ કરવાના નીચે મુજબના અધિકારો છે:
બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરો
જો કાઉન્ટર પર કર્મચારી ન હોય, તો તમે સીધા જ સંબંધિત બેંકના શાખા પ્રબંધક (Branch Manager) ને મળીને આ અંગે મૌખિક કે લેખિત ફરિયાદ કરી શકો છો. ગ્રાહકોની સુવિધા જાળવવાની મુખ્ય જવાબદારી બ્રાન્ચ મેનેજરની હોય છે. આ ઉપરાંત તમે એસબીઆઈના સત્તાવાર ટોલ-ફ્રી નંબર 1800 1234 પર કૉલ કરીને પણ બેંક કર્મચારીની બેદરકારી અંગે ફરિયાદ નોંધાવી શકો છો.
ઓનલાઇન પોર્ટલ: ગ્રાહકો એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ ઓનલાઇન ફરિયાદ (Online Complaint) દાખલ કરી શકે છે, જેના પર બેંક હેડક્વાર્ટર દ્વારા કડક નિકાલ કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે એસબીઆઈ બેંક સામાન્ય રીતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજના ૪:૦૦ વાગ્યા સુધી ગ્રાહકોના કામકાજ માટે ખુલ્લી રહે છે. બપોરે ૧:૦૦ થી ૩:૦૦ વચ્ચેના લંચ સમય દરમિયાન પણ ગ્રાહકોનું કામ સતત ચાલુ રાખવું બેંક માટે અનિવાર્ય છે. તેથી, આગામી સમયમાં જ્યારે પણ તમે બેંક જાઓ, ત્યારે કોઈપણ મૂંઝવણ વગર લંચના સમયમાં પણ તમારું કામ હકથી કરાવો.