અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત યુદ્ધને રોકવાનો શ્રેય પોતાની વિશિષ્ટ 'ડીલ મેકિંગ' શૈલીને આપ્યો છે. વોશિંગ્ટનમાં આયોજિત 'બોર્ડ ઓફ પીસ' કાર્યક્રમમાં સંબોધન કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો તેમણે હસ્તક્ષેપ ન કર્યો હોત, તો બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હોત.
"૨૫ મિલિયન લોકોના જીવ બચાવ્યા"
ટ્રમ્પે આ વખતે પાકિસ્તાની વડાપ્રધાનના હવાલે આ વાત રજૂ કરી હતી. તેમણે કાર્યક્રમમાં જણાવ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાને અમારા ચીફ ઓફ સ્ટાફને કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકીને ૨૫ મિલિયન (૨.૫ કરોડ) લોકોના જીવ બચાવ્યા છે." ટ્રમ્પના મતે, એ સમયે સ્થિતિ અત્યંત ગંભીર હતી. હવામાં વિમાનો તોડી પાડવામાં આવી રહ્યા હતા અને બંને પક્ષો લડવા માટે તૈયાર હતા.
૨૦૦% ટેરિફનો ડર
યુદ્ધ કેવી રીતે રોકાયું? તે અંગે ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં ખુલાસો કર્યો. તેમણે પીએમ મોદી અને પાકિસ્તાની પીએમ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું, "મેં પીએમ મોદીને ફોન કર્યો - હું તેમને ખૂબ સારી રીતે ઓળખું છું. મેં બંનેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, જો તમે લોકો આનો ઉકેલ નહીં લાવી શકો, તો હું તમારા બંનેમાંથી કોઈ સાથે વેપાર સોદો (Trade Deal) નહીં કરું. એટલું જ નહીં, જો તમે લડશો તો હું બંને દેશો પર ૨૦૦ ટકા ટેરિફ લાદીશ." ટ્રમ્પે ઉમેર્યું કે, "જ્યારે ઘણું બધું નાણું ગુમાવવાની વાત આવી, ત્યારે અચાનક બંને દેશોને લાગ્યું કે આપણે લડવું નથી."
સિક્કાની બીજી બાજુ
જોકે, ટ્રમ્પ અગાઉ પણ આવા દાવા કરતા રહ્યા છે. રાજદ્વારી નિષ્ણાતો માને છે કે ટ્રમ્પની આ 'ધમકીની રાજનીતિ' ઘણીવાર કામ કરી જાય છે, પરંતુ ભારત હંમેશા તેના આંતરિક અને પાકિસ્તાન સાથેના મામલામાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો ઈન્કાર કરતું આવ્યું છે. પીએમ મોદી સાથેના અંગત સંબંધોનો હવાલો આપીને ટ્રમ્પ પોતાની છબી એક 'શાંતિ દૂત' તરીકે ઉપસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.