BREAKING NEWS

મ્યુનિ.કોલ સેન્ટરમાં ૨૦૨૫માં ૪,૬૭,૫૮૨ ફરિયાદ: ડ્રેનેજની સૌથી વધુ ૨.૬૫ લાખ

  • January 01, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કોલ સેન્ટરમાં તા.૧.૧.૨૦૨૫થી તા.૩૧.૧૨.૨૦૨૫ સુધીના કેલેન્ડર વર્ષમાં કુલ ૪,૬૭,૫૮૨ ફરિયાદો નોંધાઈ છે, જેમાં ડ્રેનેજની સૌથી વધુ ૨.૬૫ લાખ ફરિયાદો છે.વર્ષ-૨૦૨૪માં ૪,૨૬,૪૧૮ ફરિયાદો નોંધાઈ હતી જેની તુલનાએ ૨૦૨૫માં ૪,૬૭,૫૮૨ ફરિયાદો નોંધાઈ છે. આ મુજબ ગત વર્ષની સરખામણીએ ૪૦,૫૮૨ ફરિયાદો નોંધાઇ છે. એકંદરે ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે અને ઉકેલનું પ્રમાણ ઘટ્યું છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, એક વર્ષ દરમિયાન ૪,૬૭,૫૮૨ ફરિયાદો નોંધાઇ છે. જેમાં સૌથી વધુ ભૂગર્ભ ગટરની ૨.૬૫ લાખ ફરિયાદો નોંધાઇ છે. જે ગત વર્ષની તુલનાએ પણ વધુ છે.

શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી પાયાની સુવિધાઓ પૈકી રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇન અને ડ્રેનેજ લોકો માટે ખાસ હોય છે. અ સુવિધા ઉભી થાય ત્યારે લોકો મનપાના સીવીક સેન્ટર ખાતે ફરિયાદ નોંધાવતા હોય છે. જેનો નિરાકરણ પણ ઝડપથી થાય છે. આદ્યુનિક ટેકનોલોજીના કારણે મનપાની કામગીરી પણ ઝડપી બની છે. તેમજ લોકોની સુખાકારીમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ ટેકનોલોજીનો સમયસર ઉપયોગ કરવામાં મહાનગરપાલિકા વામણું પુરવાર થયુ હોય તેમ આ વર્ષે પણ કુલ ફરિયાદ પૈકી ૫૭ ટકા ફરિયાદ ફકત ડ્રેનેજની નોંધાઇ છે. અલગ-અલગ વિભાગોને લગતી વર્ષ દરમિયાન ૪,૬૭,૫૮૨ ફરિયાદો નોંધાઇ હતી. જે પૈકી ૪,૬૨,૪૬૫ ફરિયાદોનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. બીજા નંબરે સ્ટ્રીટ લાઇટની ૪૯,૨૩૪ ફરિયાદો નોંધાઇ છે. આથી ડ્રેનેજ અને રોશની વિભાગની નબળી કામગીરી થઇ હોવાનુ સાબિત થયુ છે. ગત વર્ષે તમામ વિભાગોમાથી ૪,૨૬,૪૧૮ ફરિયાદો નોંધાઇ હતી. જેમાં ૨.૩૪ લાખ ફરિયાદ ડ્રેનેજ વિભાગની હતી. છતા એક વર્ષ દરમિયાન ફરિયાદોને લગતુ કામ ન થતા ચાલુ વર્ષે ફરિયાદોમાં વધારો થતા ૨૦૨૫માં ૨.૬૫ લાખ ડ્રેનેજની ફરિયાદ નોંધાઇ છે. જેનુ મુખ્ય કારણ દરેક વોર્ડમાં ડ્રેનેજ ફરિયાદો માટે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યુ છે. જેના લીધે અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કામ થતુ ન હોવાથી ફરિયાદોનો સમયસર નિકાલ થતો નથી અને સાથોસાથ આ પ્રકારની ફરિયાદ ફરી વખત ન આવે તે અંગે સુધારા વધારા પણ થતા નથી જેના લીધે વર્ષો વરસ ડ્રેનેજની ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.



સ્ટ્રીટ લાઇટ્સની ૪૯,૨૩૪, ગંદકીની ૩૯૪૫૦,પાણીની ૩૪,૪૮૪ ફરિયાદ

રાજકોટમાં ડ્રેનેજ બાદ બીજા ક્રમે સ્ટ્રીટ લાઇટની ૪૯,૨૩૪ ફરિયાદો ત્રીજા ક્રમે ગંદકીની ૩૯૪૫૦ ફરિયાદો અને ચોથા ક્રમે પાણીની ૩૪૪૮૪ ફરિયાદો નોંધાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application