માળિયા મિયાણા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઇકો ચાલકનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ માળિયા મિયાણાના નવા નવલખી ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા રફીકભાઈ દાઉદભાઈ જંગીયા (ઉ.વ.30)ના ગત સાંજે પાંચેક વાગ્યે ઇકો કાર લઈને ઘરે જતા હતા ત્યારે પીપળીયા નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રકે ઇકોકારને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને ઇકો ચાલકને બહાર કાઢી તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળિયા મિયાણા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને સંતાનમાં ચાર પુત્રી બે પુત્ર છે. પોતે ઇકોકારના ફેરા કરતા હતા. ગઈકાલે વર્ધી પુરી કરી ઘરે જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જી નાસી જનાર ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.