ગત રાત્રીના ક્રિસ્ટલ મોલ પાસે બાપ કમાઈ બાબુડિયાએ ઓવર સ્પીડમાં બીએમડબ્લ્યુ કાર હંકારી ઍક્સેસને ઉલાળતા યુવાન 50 ફૂટ જેટલો દૂર ફંગોળાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા પસાર થતા વાહન ચાલકો દોડી ગયા હતા માણસો ભેગા થઇ જતા બીએમડબ્લ્યુનો ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ કાર ચાલક આત્મજ પટેલની ધરપકડ કરી છે. કાર પણ કબ્જે કરવામાં આવી છે. એફએસએલમાં કારની સ્પીડ કેટલી હતી તે રિપોર્ટ આવ્યે ખબર પડશે. ડીસીપીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રાત્રિના એક ડ્રાઈવ શરૂ કરાશે જેમાં ઓવરસ્પીડ વાહન હંકારનારાઓને તપાસવામાં આવશે અને પકડવામાં આવશે.
ભયાનક અકસ્માતમાં ઍક્સેસનો કુડચો બોલી ગયો
ભયાનક અકસ્માતમાં ઍક્સેસનો કુડચો બોલી ગયો હતો. બનાવના પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા આત્મન પટેલની આજે સવારે ધરપકડ કરી છે.
અકસ્માતની ઘટના નજરે જોનાર સેકંડો માટે સ્તબ્ધ બની ગયા
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે અર્જુનપાર્ક સોસાયટીમાં રહેતો અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો અભિષેક દેવેન્દ્રભાઈ નાથાણી (ઉ.વ.20) ગઈકાલે ઍક્સેસ સ્કૂટર લઈ જતો હતો ત્યારે ક્રિસ્ટલ મોલ પાસે સામેથી પુરપાટ ઝડપે આવતી જીજે-03-એનબી-7301 નંબરની બીએમડબ્લ્યુ કારના ચાલકે ઍક્સેસને ઉલાળતા સ્કૂટર ચાલક 50 ફૂટ દૂર ફંગોળાયો હતો. અકસ્માતની ઘટના નજરે જોનાર સેકંડો માટે સ્તબ્ધ બની ગયા હતા. બનાવના પગલે આસપાસના લોકો દોડી જઈ 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃતક યુવાન બે ભાઇમાં નાનો હતો
મૃતક યુવાન બે ભાઇમાં નાનો હતો. પિતા દેવેન્દ્રભાઈ સ્ટીલ ફર્નીચરનું કારખાનું ધરાવે છે. પુત્રના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. મૃતકના મોટાભાઈ કેવલ નાથાણીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બીએમડબ્લ્યુ કાર મૂકી નાશી જનાર નાના મવા રોડ પર સિલ્વર હાઈટ્સની સામે આવેલા કિંગ સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા આત્મન અક્ષયભાઈ પટેલ સામે ગુનો નોંધી તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરીપરાના માર્ગદર્શન હેઠળ આજે સવારે કાયદેસરની ધરપકડ કરી છે. આત્મન પટેલના પિતા શાપરમાં સિમેન્ટ કોક્રીંટનું કારખાનું ધરાવે છે અને પોતે પણ પિતા સાથે કારખાનામાં બેસે છે. રાત્રીના કેફેથી ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.