BREAKING NEWS

રાજકોટમાં દારૂના નશામાં ધૂત BRTS બસના ડ્રાઇવરે કાંડ કર્યો, રેલિંગ તોડી બે વાહનનો કચ્ચરઘાણ વાળ્યો; ઘટના બાદ નાસભાગ

  • February 21, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે મોદી સ્કુલ સામે ગઈકાલે સાંજના સમયે નશાની હાલતમાં બીઆરટીએસ બસના ચાલકે માતેલા સાંઢની માફક ધસી આવી બીઆરટીએસ રૂટની રેલિંગ તોડી એક બાદ એક બે કારને હડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનાના પગલે અહીં નાશભાગ મચી જવા પામી હતી. અકસ્માતની આ ઘટના બાદ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ધડકાભેર અવાજ આવતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પણ દોડી ગયો હતો.


અકસ્માતની હારમાળા સર્જનાર બસ ચાલકની પૂછતાછ કરતા તે નશાની હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે નશાની હાલતમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર બીઆરટીએસ બસના ચાલક ધર્મેન્દ્રસિંહ સીગરખીયા સામે દારૂ પી વાહન ચલાવવા અને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા અંગેના બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગઈકાલ સમી સાંજના ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગાંધીગ્રામ પોલીસ પોલીસ સ્ટેશન નજીક મોદી સ્કૂલ સામે પુરપાટ ઝડપે ધસી આવેલી બીઆરટીએસ બસ નં. જીજે ૩ બીવાય ૦૮૪૭ બેકાબૂ બની હતી. બીઆરટીએસ રૂટની ૧૧ જેટલી રેલિંગ તોડી બીઆરટીએસ ટ્રેક પરથી બહાર રોંગ સાઈડમાં રસ્તા પર આવી ગઈ હતી. અંદાજિત 30 ફૂટ જેટલી બીઆરટીએસ ટ્રેકની રેલિંગ તોડી બસે પ્રથમ સ્વીફ્ટ કાર નંબર જીજે 23 સીડી 4692 અને ત્યારબાદ બોલેરો નંબર જીજે 3 બીઝેડ 5811 ની હડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટના બાદ અહીં ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પણ તાકીદે અહીં દોડી ગયો હતો અને ટ્રાફિક કલિયર કરાવી બીઆરટીએસ બસના ચાલકને પોલીસ સ્ટેશન લઈ જઇ પુછતાછ શરૂ કરી હતી.


પોલીસની પૂછતાછમાં બસ ચાલકનું નામ ધર્મેન્દ્ર જયંતીભાઈ સીગરખીયા (ઉ.વ.31 રહે. નાગરાજ પાનની બાજુમાં, શીતળા માતાજીના મંદિર પાસે, પારડી, લોધીકા) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તે નશાની હાલતમાં હોવાનું જણાવતા તે અંગે મેડિકલ ચેકઅપ કર્યા બાદ આ શખસ નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડોડીયાની ફરિયાદ પરથી બીઆરટીએસ બસના ચાલક ધર્મેન્દ્ર સીગરખીયા સામે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ ગજેરાની ફરિયાદ પરથી ચાલક ધર્મેન્દ્ર સામે દારૂ પી બીઆરટીએસ બસ ચલાવવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


અગાઉ સિટી બસની ઠોકરે ચાર જિંદગીઓ કચડાઇ હતી

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર જ ઇન્દિરા સર્કલ પાસે ગત વર્ષે એપ્રીલ માસમાં ટ્રાફિક સિંગ્નલ ખુલતા જ સિટી બસનાચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારી મૂકતા સીટી બસની હડફેટે આવી જતા ચાર ચાર વ્યક્તિઓના મોત થયા હતા. જે ઘટના બાદ બસના ચાલક શિશુપાલસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાથી શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.


સદભાગ્યે શાળા છૂટવાનો સમય ન હતો, અન્યથા મોટી દુર્ઘટના બની હોત

ટ્રાફિકથી ધમધમતા એવા 150 ફૂટ રીંગ રોડ પર મોદી સ્કૂલ સામે ગઈકાલે બીઆરટીએસ બસના ચાલકે નશાની હાલતમાં બસ ચલાવી કાબુ ગુમાવતા અકસ્માતની હારમાળા સર્જી દીધી હતી. પ્રથમ બીઆરટીએસની રેલિંગ તોડ્યા બાદ એક બાદ એક વાહનોને હડફેટે લીધા હતા. અહીં નજીકમાં જ મોદી સ્કૂલ હોય સદભાગ્યે અકસ્માતની આ ઘટના બની તે સમયે શાળા છૂટવાનો સમય ન હતો અન્યથા કોઈ મોટી દુર્ઘટના બની શકે હોત.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application