BREAKING NEWS

સરકારી દબાણના લીધે LICએ અદાણી ગ્રુપમાં રૂ. ૩૩ હજાર કરોડ રોક્યા

  • October 27, 2025 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટે' તેની એક તપાસ આધારિત રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)એ સરકારી દબાણ હેઠળ અદાણી ગ્રૂપની કંપનીઓમાં લગભગ 33 હજાર કરોડ રૂપિયાનું (3.9 અબજ ડૉલર) રોકાણ કર્યું છે. આ રિપોર્ટમાં આંતરિક દસ્તાવેજોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે આ માટે સરકારી દબાણ હેઠળ એક 'યોજના' બનાવવામાં આવી અને તેને 'મંજૂરી' આપવામાં આવી.


વિપક્ષી કૉંગ્રેસે આ મામલે 'જાહેર નાણાંનો દબાણ હેઠળ દુરુપયોગ'નો મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે અને આ મામલાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ અને લોકલેખા સમિતિદ્વારા કરાવવાની માંગ કરી છે. મામલો ચર્ચામાં આવ્યા બાદ એલઆઈસીએ નિવેદન આપીને રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. એલઆઈસી કંપનીનું કહેવું છે કે તેના નિર્ણયો બહારનાં પરિબળોથી પ્રભાવિત હોતા નથી અને તેમાં કોઈ અન્યની ભૂમિકા નથી હોતી.

અદાણી ગ્રૂપે પણ અખબાર સાથેની વાતચીતમાં આવા રોકાણ માટે કોઈ 'સરકારી યોજના' બની હોવાનો ઇન્કાર કર્યો છે. અદાણી ગ્રૂપનું કહેવું છે કે એલઆઈસી દ્વારા કંપની માટે પક્ષપાતી વલણ અપનાવવાનો દાવો ભ્રામક છે. અખબારનું કહેવું છે કે આ રિપોર્ટ પર હજી સુધી નીતિ આયોગ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહી ચૂક્યા છે અને તેમની સંપત્તિ લગભગ 90 અબજ ડૉલર છે. તેમની કંપની પર અગાઉ પણ 'ઠગાઈ'ના આરોપ લાગ્યા છે અને અમેરિકા ખાતે તેમની કંપનીઓની તપાસ ચાલી રહી છે. અદાણી ગ્રૂપે તેની સામે લાગેલા તમામ આરોપો હંમેશાં ફગાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application