BREAKING NEWS

મગફળીને નુકસાન: મોટાભાગની મિલોમાં હજુ પીલાણ શરૂ થયું નથી

  • November 06, 2025 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભૂતકાળમાં કદી ન ઉત્પન્ન થયો હોય તેટલો વિક્રમ સર્જક પાક મગફળીનો આ વખતે થયો છે. સરકારી અંદાજ મુજબ ૬૬ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનું હતું પરંતુ માવઠા એ સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. તેના કારણે રવિ પાકના વાવેતરમાં હજુ સુધી ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી એટલું જ નહીં સામાન્ય રીતે નવરાત્રી અને દશેરાના તહેવારો આસપાસ ઓઈલ મિલો શરૂ થઈ જતી હોય તે પરંતુ તેમાં પણ હજુ પીલાણ શરૂ થયું નથી.

ઓઈલ મિલરોના જણાવ્યા મુજબ તહેવારોના દિવસો પૂરા થઈ ગયા છે અને મોટાભાગની મિલોમાં દેવ દિવાળીથી પીલાણની કામગીરી શરૂ કરી દેતી હોય છે. પરંતુ આ વખતે 200 જેટલી ઓઇલ મિલોમાંથી માત્ર 15 થી 20 ઓઇલ મિલોમાં નાફેડની જૂની મગફળીના આધારે પીલાણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં પણ અત્યારે ઉત્પાદન ધીમું પડી ગયું છે.

સરકાર દ્વારા હવે મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. આવી મગફળીની ગુણવત્તા, ભેજનું પ્રમાણ અને પડતર કિંમત સહિતની બાબતોને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં મિલરો પીલાણ બાબતે નક્કી કરશે.

ઓઈલ મિલરોનો સૌથી મોટો પ્રશ્ન મગફળીમાં આવેલો બગાડ અને ભેજનું વધુ પડતું પ્રમાણ છે. બગાડના કારણે મગફળીના દાણા કાળા પડી ગયાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. મિલરોના જણાવ્યા મુજબ જો આ દાણાનું પીલાણ કરવામાં આવે તો તેમાં આફલાટોક્સિનની ભીતિ છે. આ પ્રકારના દાણામાંથી પીલવામાં આવેલ તેલ 12 મહિના માટે ચાલી ન શકે, એટલું જ નહીં તેનો સીધો ઉપયોગ પણ કરી શકાતો નથી. આવું તેલ ઉપયોગમાં લેતા પહેલા તે રિફાઇન્ડ કરવું જરૂરી છે અને રિફાઇન્ડ કરવા માટેનો ખર્ચ જો કરવામાં આવે તો તેની સીધી અસર તેલની પ્રોડક્શન કોસ્ટ પર પડે તેમ છે. આ તમામ પાસાઓનો અભ્યાસ કરીને આગામી દિવસોમાં મિલ ચાલુ કરવાના નિર્ણયો લેવામાં આવશે. પરંતુ અત્યારે તો મિલરો તેલ અને તેલની ધાર જોવાના મૂડમાં હોય તેવું લાગે છે. છેલ્લા બે વર્ષથી સિંગતેલના ભાવ તળિયે પહોંચી ગયા હતા. આ વખતે વિપુલ ઉત્પાદન પછી ભાવ મામલે શું પરિસ્થિતિ રહે છે તેનું સમગ્ર ચિત્ર આગામી દિવસોમાં મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application