જૂનાગઢમાં ધરાનગર વિસ્તારમાં ગિરનારના પેટાળ પાસે રહેતા બે સગાભાઈઓ દ્વારા તેના મળતીયાઓને સાથે રાખી તેના મકાનમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતા હોવાની માહિતીના આધારે એ ડિવિઝન પીઆઇ સાવજ સહિતની ટીમે દરોડો પાડયો હતો અને સ્થળ પરથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી મળી આવી હતી. પોલીસે ભેળસેળયુક્ત વિદેશી દારૂની ૧૪૮૦ બોટલ, સહિત એસેન્સ બોટલ કલર , પાણીનો ટાંકો ખાલી બોટલ અને મશીન સહિત ૧૪.૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા બુટલેગરની વધુ પૂછપરછ હાથ ધરી હતી. આરોપી પૈકી એક ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલ છે. તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ધરાનગર વિસ્તારમાં ગિરનારના પેટાળ વાળા વિસ્તારમાં રહેતા પ્રતાપસિંહ શીવુભા સોલંકી અને રઘુવીર સિંહ શિવુભા સોલંકી બંને ભાઈઓ ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની માહિતીને આધારે ડીએસપી સુબોધ ઓડોદરા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ સાવજ પીએસઆઇ સોલંકી તથા ગુના નિવારણ શાખાની ટીમે ધરા નગર વિસ્તારમાં પરમાર વાડી પાસે સરકારના પાણીના ટાંકા પાસે રહેતા પ્રતાપ સોલંકીના ઘરે દરોડો પાડ્યો હતો.
સ્થળ પરથી પોલીસે રઘુવીર સિંહ શિવભા સોલંકીની ધરપકડ કરી હતી તેની પાસેથી એસેન્સ, કલર અને કેમિકલ યુક્ત ડુપ્લીકેટ વિદેશી દારૂની ૯.૭૩ લાખની કિંમતની ૧૪૮૦ બોટલ મળી આવી હતી. આ ઉપરાંત ૪.૦૩ લાખની કિંમતનો ૩૬૦ લીટર ડુપ્લીકેટ વિદેશી દારૂ, પ્લાસ્ટિકની ૫૪૦ ખાલી બોટલ, ૪૯૬ ડુપ્લીકેટ સ્ટીકર, ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવા માટે એસેન્સ ની એક બોટલ તથા ત્રણ લિટર કલર, બોટલના ૧૨૮૦ ઢાંકણા, બોટલ સીલ કરવા માટેના મશીન, પ્લાસ્ટિકના પાંચ બેરલ, અડધો લીટર નો પ્લાસ્ટિકનો ટાંકો એક મોબાઈલ તથા રૂ.૩૦૧૦ રોકડ સહીત ૧૪.૩ લાખના મુદ્દામાલ સાથે રઘુવીરસિંહ શિવુભા સોલંકીની ધરપકડ કરી હતી.બંને ભાઈઓ દ્વારા વિદેશી દારૂની ડુપ્લીકેટ ફેક્ટરી ચલાવતા હતા. પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં હાથ ન આવેલ પ્રતાપ શિવુભા સોલંકી ગુજસીટોકનો આરોપી છે અને જામીન પર છૂટેલો છે.તેને ઝડપી લેવા વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે.
એ ડિવિઝન પોલીસે પ્રતાપના ભાઈ રઘુવીર સિંહ સોલંકીને ઝડપી તેના કબજામાંથી મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. બંને ભાઈઓ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં કલર અનેસપિરિટ, કેમિકલ, કલર એસેન્સ ભેળવીને વિદેશી દારૂ બનાવી ખાલી બોટલ પર બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર લગાવી વિદેશી દારૂની બોટલનુ વેચાણ કરતા હતા. સમગ્ર બાબતમાં રઘુવીર સિંહ સોલંકી પાસેથી મોબાઇલ કબજે કરી કોને કોને ડુપ્લીકેટ વિદેશી દારૂ વેચ્યો, સપીરીટ, એસેન્સ અને દારૂની બોટલ ક્યાંથી મેળવતો અન્ય કોઈની સંડોવણી છે કે કેમ , કેટલા સમયથી ફેક્ટરી ચાલતી હતી આ ઉપરાંત બોટલ અને ભેળસેળ યુક્ત ચીજો ક્યાંથી મેળવી હતી સહિતની વિવિધ બાબતો અંગે પૂછપરછ હાથ ધરી છે.
કેવી રીતે બનતો હતો ડુપ્લીકેટ વિદેશી દારૂ
પોલીસ દ્વારા ડુપ્લીકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપી તે અંગે જણાવ્યું હતું કે સ્થળ પરથી મળેલા કેમિકલના બેરલ અને બિલ બહારના રાજ્યના છે સફેદ કલરનું કેમિકલ અને દુર્ગંધ મારતું કે નિકલ વાપરવામાં આવતું હતું, કેમિકલમાં ઓલમોંક ની ફ્લેવર માટે રસનો ગોળો જેવી ચાસણી તૈયાર કરીને રંગ ઉમેરીને કલર આપવામાં આવતો હતો બાદમાં ખાલી દારૂની બોટલમાં ભરીને મશીન દ્વારા ખાસ સીલ મારવામાં આવતું હતું, કેમિકલ બહારથી લાવવામાં આવતું હતું, પરંતુ તેમાં ફ્લેવર મિક્સ કરવામાં આવતી હતી , ખાલી બોટલમાં ઓલ્ડ મોન્કના સ્ટીકર લગાવી દેવામાં આવતા હતા. અને ત્યારબાદ મશીન ની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલ તૈયાર કરવામાં આવતી હતી.