BREAKING NEWS

આતંકવાદીની ગોળી ખાવા કરતા પણ વધુ ખરાબ 'ડુપ્લીકેટ દવાની ગોળી'

  • May 20, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ આજરોજ બંધપાળી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ડુપ્લીકેટ દવાની ગોળીને આતંકવાદીની ગોળી કરતા પણ વધુ હાનિકારક ગણાવી ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આવનારા સમયમાં ઓનલાઇન દવાઓનું વેચાણ અટકાવવા અને તેમના વિરુદ્ધ કડક પગલાં ભરવા ભારત સરકાર સમક્ષ માંગ કરી છે.આજે દેશભરમાં ૧૨.૫૦ લાખ જેટલા મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ ઓનલાઇન દવાના વેચાણ સામે વિરોધ નોંધાવી બંધ પાળ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ કેમિસ્ટ એસોસિએશન રાજકોટ દ્વારા પણ દેશભરના બંધને સમર્થન આપી મોટી ટાંકી ચોક ખાતે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટના ૧૬૦૦ જેટલા મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહયા છે. વિરોધ કરી રહેલા દવાના વેપારીઓએ જણાવ્યું છે કે, ઓનલાઇન દવાઓનું વેચાણ બંધ થવું જોઈએ. કારણ કે ઓનલાઇન દવાઓના વેચાણની આડમાં ડુપ્લીકેટ દવાઓનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જે લોકો માટે જોખમી છે. ડુપ્લીકેટ દવાઓથી વ્યક્તિનું મગજ, આંખ, લીવર, કિડની સહિતના અંગોને નુકશાની પહોંચે છે એટલું જ નહીં વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. એક વેપારીએ તો, ડુપ્લીકેટ દવાની ગોળીને આતંકવાદીની ગોળી કરતા પણ વધુ જોખમી અને ખરાબ ગણાવી હતી. તેમજ ચોકાવનારો આક્ષેપક કરતા જણાવ્યું કે, ઓનલાઇન દવાઓના વેચાણમાં નશાકારક, ગર્ભ નિરોધક દવાઓનો વેપલો ચાલી રહ્યો છે. જેથી નશા માટેના રસ્તા ખુલ્લા થઈ રહ્યા છે. દવાઓને ઓનલાઇન વેચાણમાં પ્રીસ્ક્રિપ્શન સાચું છે કે ખોટું તે પણ ચકાસી શકાતું નથી. સરકારે જાહેર કરેલો પરિપત્ર જીએસઆર ૨૨૦ અને ૮૧૭ રદ કરવા જોઈએ. આ સિવાય હાઇકોર્ટનો પણ આદેશ છે કે ઓનલાઈન દવાઓનું વેચાણ અટકાવવું જોઈએ અને તેનો કડક અમલ થવો જોઈએ. કેમિસ્ટ એસોસિએશન રાજકોટ પણ આ બાબતેની ૨૦૧૯થી રજૂઆત કરતું આવ્યું છે. કારણકે ઓનલાઇન ડુપ્લીકેટ વેચાતી દવાઓથી લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પહોંચી રહી છે. એક દિવસીય બંધ વચ્ચે રાજકોટ શહેરમાં ૧૫ જેટલા મેડિકલ સ્ટોર્સને ચાલુ રખાયા છે. જેથી કોઈ પણ દર્દીને તકલીફ ન પડે. તેમ છત્તા જો કોઈને દવા જોઈતી હોય તો કેમિસ્ટ એસોસિએશનના સભ્યનો સંપર્ક કરી દવા મેળવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application