BREAKING NEWS

ભારતમાં ઈ85 ઇંધણનો ધમાકેદાર શરૂઆત: પેટ્રોલના મોંઘા ભાવથી મળશે મોટી રાહત

  • June 06, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દેશમાં સતત વધતી ઈંધણની કિંમતો વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા દેશની રાજધાની દિલ્હીમાં સત્તાવાર રીતે ઈ85 ઇંધણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારના બળતણમાં 85 ટકા સુધી ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણને સ્વચ્છ રાખવાની સાથે ખિસ્સાનો બોજ પણ હળવો કરશે. દિલ્હીના પુસા રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલના પંપ પર આ દેશનું પ્રથમ સ્ટેશન શરૂ કરાયું છે. ગ્રાહકો સામાન્ય પેટ્રોલ અને આ ઇંધણ વચ્ચે સરળતાથી તફાવત સમજી શકે તે માટે આ પંપ પર એકદમ અલગ પ્રકારનું બ્રાન્ડિંગ પણ કરવામાં આવ્યું છે.પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા અનુસાર, જો દેશમાં નવા આવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોમાંથી અડધા વાહનો પણ આ ટેકનોલોજીવાળા થઈ જાય, તો તેનાથી દેશમાં ઇથેનોલની માંગમાં 311.8 કરોડ લીટરનો મોટો ઉછાળો આવશે. આ પરિવર્તનના કારણે દેશના ખેડૂતોની આવકમાં આશરે 12,403 કરોડ રૂપિયાનો માતબર વધારો થવાનો અંદાજ છે. મુખ્યત્વે શેરડી અને વધારાના અનાજમાંથી બનતું આ બળતણ સીધા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે.


કિંમતમાં કેટલો ફાયદો અને દેશવ્યાપી આયોજન?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટોને કારણે સામાન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થઈ રહ્યા છે, ત્યારે આ નવું ઈ85 ઇંધણ સામાન્ય પેટ્રોલ કરતા ઘણું સસ્તું પડશે. દિલ્હીમાં અત્યારે સામાન્ય પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે આ નવા ઈ85 બળતણની કિંમત માત્ર 82.12 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે. આમ, વાહનચાલકોને સીધો જ પ્રતિ લીટર 20 રૂપિયાનો મોટો આર્થિક ફાયદો મળશે.સરકારે આ સસ્તા ઇંધણને લોકો સુધી પહોંચાડવા માટે એક મોટો રોડમેપ તૈયાર કર્યો છે. પ્રથમ તબક્કા હેઠળ દેશભરના 48 પંપ પર તેની શરૂઆત થઈ ચૂકી છે. શરૂઆતમાં દિલ્હી, પુણે, મુંબઈ અને નાગપુર જેવા મોટા શહેરોમાં 50 થી 100 સ્ટેશનો ખોલવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2026 ના અંત સુધીમાં આ સંખ્યાને 500 પર પહોંચાડવાનું અને વર્ષ 2027 ના અંત સુધીમાં આખા દેશમાં 5,000 જેટલા સક્રિય સ્ટેશનો સ્થાપિત કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે


કયા વાહનોમાં આ ઇંધણનો ઉપયોગ થઈ શકશે?
અહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ સસ્તા ઈ85 ઇંધણનો ઉપયોગ સામાન્ય કાર કે બાઇકમાં થઈ શકશે નહીં. આ બળતણનો લાભ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી ધરાવતા ખાસ વાહનો જ લઈ શકશે, જે ઇથેનોલના ઊંચા મિશ્રણને સહન કરવા માટે ખાસ એન્જિન સાથે બનાવવામાં આવે છે.વાહન બજારમાં પણ આ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે. મારુતિ સુઝુકી કંપનીએ પોતાની વેગનઆરનું ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ રજૂ કર્યું છે, જે આ ઇંધણ પર દોડવા માટે સંપૂર્ણ સક્ષમ છે. આ ઉપરાંત ટૂ-વ્હીલર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ કંપનીએ પણ પોતાની લોકપ્રિય બાઇક સ્પ્લેન્ડર પ્લસ અને એચએફ ડીલક્સના ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ લોન્ચ કર્યા છે, જે 20 ટકાથી લઈને 85 ટકા સુધીના ઇથેનોલ મિશ્રણ પર આસાનીથી ચાલી શકે છે. જો કે, સામાન્ય વાહનોની સરખામણીએ આ ખાસ એન્જિનવાળા વાહનોની કિંમત આશરે 6000 રૂપિયા જેટલી વધારે હોઈ શકે છે અને ઇથેનોલની ઓછી ઉર્જા ઘનતાના કારણે માઇલેજમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. તેમ છતાં, લાંબા ગાળે આ ટેકનોલોજી દેશની આયાત નિર્ભરતા ઘટાડશે અને પ્રદૂષણ મુક્ત ભવિષ્ય તરફ દોરી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application