સુરેન્દ્રનગરના ચકચારી જમીન લાંચ અને ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આજે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીની ટીમે કલેક્ટર કચેરીના વધુ બે કર્મચારીઓની ધરપકડ કરી છે.
ઇડીએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક સંજય અને પટ્ટાવાળા નીતિનની ધરપકડ કરી છે. આ બંને કર્મચારીઓ મૂળ સુરેન્દ્રનગરના જ રહેવાસી છે. વહેલી સવારે ઇડી દ્વારા તેમની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષકારક જવાબ ન મળતા અને પુરાવાઓના આધારે તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, જમીનના ટાઈટલ ક્લિયરન્સ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓમાં મોટી રકમની લાંચ લેવામાં આ કર્મચારીઓની ભૂમિકા હોવાની શંકા સેવાઈ રહી છે. ઇડી હવે આ બંને આરોપીઓને રિમાન્ડ માટે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે, જેથી આ મોટા કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય. તપાસ સંસ્થાએ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે કે આ લાંચના નાણાં ક્યાં અને કોના કહેવાથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આગામી દિવસોમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા નકારી શકાતી નથી.
1500 કરોડના જમીન બિનખેતી કરાવવાના કૌભાંડ મામલે બે જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ચાર જાન્યુઆરીના રોજ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં પાંચ જાન્યુઆરીના રોજ આ મામલે તપાસ કરવા એસીબી દ્વારા ડીવાયએસપી અને પીઆઇ સહિતના છ અધિકારીઓની સીટની રચના કરવામાં આવી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં રાજેન્દ્ર કુમાર પટેલે દસ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આ તપાસમાં સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબીમાં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.