જનતાની પરસેવાની કમાણી જ્યારે બેંકોમાં જમા થાય છે, ત્યારે એ આશા હોય છે કે આ નાણાં દેશના વિકાસમાં કામ આવશે. પરંતુ, જ્યારે મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીના પ્રમોટર્સ બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશમાં આલિશાન બંગલા ખરીદતા હોય છે, ત્યારે સામાન્ય માણસનો સિસ્ટમ પરથી ભરોસો ડગી જાય છે. આવા જ એક મોટા આર્થિક કૌભાંડ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દેશ અને વિદેશમાં ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરીને કડક આદેશ જાહેર કર્યો છે.
દેશની જાહેર ક્ષેત્રની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર કંપનીઓ સામે કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ લાલ આંખ કરી છે. ‘લીલ ઇલેક્ટ્રિકલ્સ’ (LEEL Electricals) કંપની સામે ચાલી રહેલા મની લોન્ડરિંગના કેસમાં ED ની જયપુર ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ કંપનીના પ્રમોટર ભારત રાજ પુન્જ અને અન્ય સાગરીતો વિરૂદ્ધ પગલાં ભરીને રૂપિયા ૧૧૨.૯૦ કરોડની ૨૨ જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં (જપ્ત) લીધી છે.
ગુજરાત સહિત ૮ રાજ્યો અને અમેરિકા સુધી ફેલાયેલી સંપત્તિ જપ્ત
ED ની તપાસમાં બહાર આવ્યું છે કે કૌભાંડના પૈસા ક્યાં-ક્યાં રોકવામાં આવ્યા હતા. એજન્સીએ જે મિલકતો જપ્ત કરી છે તેમાં માત્ર ભારતના રાજ્યો જ નહીં, પરંતુ સાત સમુદ્ર પારની પ્રોપર્ટી પણ સામેલ છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, ગોવા અને તમિલનાડુ સહિત દેશના ૮ રાજ્યોમાં આવેલી જમીન અને બિલ્ડિંગો જપ્ત કરાઈ છે. આરોપીઓએ વિદેશમાં રોકેલા નાણાં સુધી પહોંચીને ED એ અમેરિકાના ટેક્સાસમાં આવેલું આલિશાન ઘર પણ જપ્ત કરી લીધું છે. આ ઉપરાંત આરોપીઓના બેંક બેલેન્સ, ફિક્સ ડિપોઝિટ (FD) અને મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા કરોડોના રોકાણો પણ ફ્રીઝ કરી દેવાયા છે.