રાજકોટ જિલ્લાના જસદણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સીની આ અચાનક કાર્યવાહીથી સ્થાનિક બેડામાં અને રાજકીય તેમજ વ્યાપારી વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોને લઈને આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વકીલ રામ મકવાણાની ઓફિસ પર દિલ્હીની ટીમનું સર્ચ ઓપરેશન
પ્રાપ્ત માહિતી મુજબ, જસદણ તાલુકા સેવા સદન સામે આવેલ વકીલ રામ મકવાણાની ઓફિસમાં EDની વિશેષ દિલ્હીની ટીમે આકસ્મિક દરોડા પાડ્યા છે. દિલ્હીથી આવેલી ઉચ્ચ અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને વકીલ રામ મકવાણાને ત્યાં આ સઘન તપાસ હાથ ધરી છે.
સીડીની મદદથી તાળા ખોલીને તપાસ શરૂ
EDની ટીમે કડક સુરક્ષા વચ્ચે દુકાન અને ઓફિસના તાળા સીડીની મદદથી ખોલાવ્યા હતા અને અંદર પ્રવેશ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસ દરમિયાન દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને બેંક ખાતાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને મિલકતો સંબંધિત મહત્વની માહિતી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.