BREAKING NEWS

જામનગર  : ઠંડીની વહેલી વિદાય, હાલારમાં શિયાળુ પાકની ગુણવતા, ઉત્પાદનને ફટકો

  • February 28, 2026 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલારમાં ચાલુ વર્ષે ઠંડીની વહેલી વિદાયના કારણે શિયાળુ પાકની ગુણવતા અને ઉત્પાદનને નોંધપાત્ર ફટકો પડવાની ભીતિ ઉભી થઇ છે. કારણ કે, દીવસના ગરમ અને રાત્રીના ઠંડા પવનથી બેવડી ઋતુથી ઘઉં, ચણા, જીરૂ, ધાણા, લસણ અને ડુંગળીના પાક વહેલા પાકી ગયાની ફરિયાદો ખેડૂતોમાં જોરશોરથી ઉઠી છે. આટલું જ નહીં હોળી પહેલા બપોરે આકરા તાપથી વિકાસ અટકી જતા શિયાળુ પાક પીળા પડી જતા ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તો ગ્રાહકોને ઉંચા ભાવ ચૂકવવા પડશે તેની શકયતા નકારી શકાતી નથી તેમ કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે. 


હાલારમાં સામાન્ય રીતે દર વર્ષે હોળી પછી ગરમીનો અનુભવ લોકો કરે છે. પરંતુ ચાલુ વર્ષે હોળી પૂર્વ આમ તો મહાશિવરાત્રી બાદ ઋતુચક્રમાં ફેરફારના કારણે બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેની પાછળ ગ્લોબલ વોર્મીંગની અસર મુખ્ય કારણ હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે. ઋતુચક્રમાં ફેરફારના કારણે  હાલારમાં બેવડી ઋતુની શિયાળુ પાક પર માઠી અસર થઇ છે. જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ કાંતીભાઇ બારૈયાએ જણાવ્યું છે કે, દર વર્ષે સામાન્ય રીતે હોળી પછી બપોરે ગરમી પડે છે. પરંતુ ચાલુ વર્ષે હોળી પૂર્વે અને મહાશિવરાત્રી બાદ દિવસના ગરમ અને રાત્રીના ઠંડા પવનથી બંને જિલ્લામાં મહત્વના શિયાળુ ચણા, જીરૂ, ધાણા, ઘઉં, લસણ અને ડુંગળીના પાક વહેલા પાકી ગયા છે. જેના કારણે શિયાળુ પાકના ઉત્પાદન અને ગુણવતા પર માઠી અસર પડવાની શકયતા નકારી શકાતી નથી.

​​​​​​​


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગરમી વહેલી શરૂ થતા અને બપોરના સમયે આકરા તાપથી લસણ અને ડુંગળીના પાકના ગાઠીયા જે પ્રકારે મોટા થવા જોઇએ તે ન થાય. તડકાના કારણે તેનો વિકાસ અટકી જાય. ખાસ કરીને જીરૂના પાકમાં જે વજન ઉતરવો જોઇએ તે વજન ન ઉતરે અને તેનું વજન ઘટી જાય. આ રીતે ચણા, જીરૂ, ધાણાના પાકનો વિકાસ અટકી જતા ગુણવતા અને ઉત્પાદનને માઠી અસર થઇ શકે. ધાણાના પાકમાં કે જે લીલો કલર થવો જોઇએ તે ન થાય એટલે કે કુદરતી જે કલર આવવો જોઇએ તે ન આવે.

આમ ગ્લોબલ વોર્મીંગના કારણે ઠંડીની વહેલી વિદાયથી બપોરે આકરા તાપના કારણે શિયાળુ પાકનો વિકાસ અટકી જતાં એટલે કે વહેલા પાકી જતાં ઉત્પાદન અને ગુણવતાને માઠી અસર પડશે. જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તો બજારમાં સારા એટલે કે ગુણવતાયુકત ચણા, જીરૂ, ઘાણા, ઘઉંનો પાક ન મળતા એટલે કે અછતના કારણે ગ્રાહકોને ઉંચા ભાવ ચૂકવવા પડવાની શકયતા પણ નકારી શકાતી નથી. બીજી બાજુ બેવડી ઋતુના કારણે શિયાળુ પાકને માઠી અસરથી એટલે કે ગુણવતા અને ઉત્પાદનને ફટકો પડતા ખેડૂતો ચિંતા સાથે મૂઝવણમાં મૂકાયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application